લઘુ ઉદ્યોગો માટે વોટર પ્યુરીફિકેશન ટેકનોલોજી અંગે વેબિનાર યોજાયો

સુરત: દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરીંગ રિસર્ચ ઇન્સ્ટીટયુટ(દુર્ગાપુર-પ.બંગાળ)ના ડિરેક્ટરશ્રી હરિશ હિરાનીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ‘માઈક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ માટે વોટર પ્યુરીફિકેશન ટેકનોલોજી અંગે વેબિનાર યોજાયો હતો.
શ્રી હરિશ હિરાનીએ જણાવ્યું હતું કે, શુદ્ધ પાણી માનવજીવનની અગત્યની જરૂરિયાત છે. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી માટે શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પાણીનું સેવન કરવું હિતાવહ છે. CSIR-CMERI એ ઘણી કંપનીઓને તેમની આધુનિક ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. જેમ કે, વોલ્ટાસ લિ., એકવાગાર્ડ વોટર પ્યુરિફાયર, એક્વાફિઝર, એક્વાઝેન, એમ.એસ. સાયન્ટીફિક એન્ડ એક્વા સિસ્ટમ જેવી ૧૧ કંપનીઓને ટેકનોલોજીનું હસ્તાંતરણ કર્યું છે.
ડોમેસ્ટિક આયર્ન રિમુવલ ફિલ્ટર, કોમ્યુનિટી લેવેલ ઇમ્પ્રૂવ્ડ આયર્ન રિમૂવલ પ્લાન્ટ, ડોમેસ્ટિક લેવેલ ફ્લુઓરાઈડ આર્સેનિક એન્ડ આયર્ન રિમૂવલ (FAIR) ટેકનોલોજી અંગે ઉપયોગી જાણકારી આપતાં શ્રી હિરાનીએ કહ્યું કે, અગાઉ સફાઈ કામદારોને સાફસફાઈ માટે ગટરમાં ઉતરવું પડતું હતું, પરંતુ હવે વોટર જેટ પમ્પના કારણે તેમની સુરક્ષામાં વધારો થયો છે, તેમજ સહેલાઈથી જોખમ વિના સાફ-સફાઈ થઈ શકે છે.
પાણી શુદ્ધિકરણ અંગે કેટલીક અગત્યની બાબતો જણાવી શ્રી હિરાનીએ CSIR-CMERI ની કાર્યશૈલી અંગે વિસ્તૃત સમજ આપી હતી.
વેબિનારમાં ચેમ્બર ઓફ કોમર્સના ગ્રૂપ ચેરમેન હિમાંશુ બોડાવાલા, નીરજ મોદી, ડો.બિશ્વજીત રૂજ અને વૈજ્ઞાનિકો, તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.
Exit mobile version