બાદશાહ ગ્રુપ ગણેશજીના આગમન નિમિત્તે અકલ્પનીય કાર્યક્રમોનું આયોજન કરશે

સુરત: દર વર્ષની જેમ આ વર્ષે પણ બાદશાહ ગ્રુપ દ્વારા સુરતમાં ભવ્ય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવશે. જે માટેની તમામ પૂર્વ તૈયારી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. ગણેશ મંડળોમાં પોતાની આગવી ઓળખ બનાવનાર બાદશાહ ગ્રુપના ગણેશજીની મૂર્તિનું આગમન 3 સપ્ટેમ્બર, 2024ને મંગળવારે થશે. ગણેશજીની શોભાયાત્રા શહેરના પાલ મીના બજાર ખાતેથી સાંજે 7 કલાકે નીકળી નિશાળ સર્કલ તરફ જશે.

શોભા યાત્રા વિશે માહિતી આપતા બાદશાહ ગ્રુપના જૈમિન આહિરે જણાવ્યું હતું કે ગણેશજીની શોભા યાત્રામાં 110 પુનેરી ઢોલ, ઉજ્જૈનથી ડમરુ વાદકો અને 30 અઘોરીઓ શંખ આરતી માટે આવશે. જે રીતે ઉજ્જૈનમાં મહાકાલની શોભા યાત્રા નીકળે છે તે જ તર્જ પર ગણેશજીની શોભાયાત્રા પણ નીકળશે. હાથી અને ઘોડા સાથે વિશાળ મશાલ સરઘસ કાઢવામાં આવશે. શોભા યાત્રામાં આકર્ષણ વધારવા માટે, બોલિવૂડ ગાયક પૂર્વા મંત્રી લાઈવ પરફોર્મ કરશે. આ શોભા યાત્રા સમગ્ર ગુજરાતમાં અવિસ્મરણીય બની રહેશે. જેના કારણે હજારો ગણેશ ભક્તો તેને જોવા માટે ઉમટી શકે છે.

Exit mobile version