સ્વજનને ગુમાવવાનું દુઃખ છતાં સુરતના ભુવા પરિવારે માનવતાની જ્યોત પ્રગટાવી

બ્રેઈનડેડ પ્રભાબેન ભુવાના પરિવારજનોએ કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષ્યું

સોસાયટીમાં સત્સંગ દરમિયાન બેભાન થઈ ઢળી પડેલા પ્રભાબેન બ્રેઈનડેડ થયાં હતાં

સુરત: ‘અંગદાન મહાદાન’ના સૂત્રને સાર્થક કરતાં સુરતવાસીઓ અવારનવાર અંગદાન થકી સેવાની સરવાણી વહાવી રહ્યા છે. માનવતાને મહેકાવતું આવું જ એક પ્રેરક કદમ સુરતના ભુવા પરિવારે ઉઠાવી સમાજને દિશા ચીંધી છે. સરથાણામાં રહેતાં ધીરૂભાઈ કુરજીભાઈ ભુવાના ૬૩ વર્ષીય બ્રેઈનડેડ પત્ની પ્રભાબેનના કિડની, લિવર અને ચક્ષુઓના દાન થકી પાંચ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા દડવા ગામના રહેવાસી લેઉવા પાટીદાર ભુવા પરિવાર વર્ષોથી સરથાણા જકાતનાકા પાસે આવેલી શાંતિવન સોસાયટીમાં રહે છે. ધીરૂભાઈ નિવૃત્ત જીવન વિતાવે છે, જ્યારે તેમના બે પુત્રો રત્નકલાકાર છે. ધીરૂભાઈના પત્ની પ્રભાબેન તા.૦૧ ફેબ્રુ.ના રોજ સાંજે ૬:૦૦ વાગ્યે સોસાયટીમાં વડીલ મહિલાઓ સત્સંગ કરી રહ્યા હતા, એ સમયે અચાનક ચક્કર આવતા બેભાન થઈ પડી ગયાં હતાં. જેથી પરિવારજનો તેમને તાત્કાલિક વરાછાની આસ્થા હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વિનસ હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. હિતેશ ચિત્રોડાની સારવાર માટે લઈ ગયાં હતાં. જ્યાં સીટી સ્કેન કરાવતાં બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બીજા દિવસે તા.૦૨ ફેબ્રુ.એ ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા સહિતની એનેસ્થેટીસ્ટ, મેડિકલ ટીમે પ્રભાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા. જેના કારણે પરિવાર ગમગીન બન્યો હતો. પરિવારની સંમતિથી વિનસ હોસ્પિટલના આર.એમ.ઓ. ડૉ.કલ્પના સવાણીએ ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક અને પ્રમુખ નિલેશ માંડલેવાલાનો સંપર્ક કરી પ્રભાબેનના બ્રેઈનડેડ થવાં અંગેની જાણકારી આપી હતી. જેથી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી પ્રભાબેનના પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી. અંગદાન કરવામાં આવે તો પાંચ વ્યક્તિઓને નવજીવન મળી શકે અને પ્રભાબેનના દુઃખદ નિધન બાદ પણ અન્ય વ્યક્તિઓમાં તેમની સદેહે સ્મૃત્તિ જળવાઈ રહેશે એમ જણાવ્યું.

બાળપણથી સંસ્કારી વાતાવરણમાં ઉછરેલા પ્રભાબેનના પુત્રોએ જણાવ્યું કે, ‘અમારા માતા ધાર્મિક વૃત્તિ ધરાવતાં હતા. અને દરરોજ સત્સંગમાં ગયાં વગર તેમનો દિવસ પસાર થતો ન હતો. તેઓ જયારે પણ અખબારોમાં અંગદાનના સમાચારો વાંચતા ત્યારે કહેતા કે અંગદાન એક ઉત્તમ કાર્ય છે. મૃત્યુ પછી તો શરીર બળીને રાખ થઈ જવાનું છે. દરેક વ્યક્તિએ મૃત્યુ પછી અંગદાન કરવું જોઈએ. આથી આજે જ્યારે અમારા માતૃશ્રી બ્રેનડેડ છે, તો તેમના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય તો અંગદાન માટે ખુશીથી આગળ વધવા જણાવ્યું હતું. કોઈના જીવનમાં ઉપયોગી બનવું એનાથી વધુ મોટી સેવા શું હોઈ શકે? અને માતાને અંગદાનથી શ્રદ્ધાંજલિ આપીશું એમ ભારે પણ મક્કમ મને જણાવ્યું.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા શ્રી નિલેશ માંડલેવાલાએ સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશન (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન માટે જણાવ્યું. SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરને ફાળવવામાં આવ્યા.

થકવી નાંખે તેવું પેપરવર્ક, સતત રણકતા મોબાઈલ ફોન, મેડિકલ-પેરામેડિકલ સ્ટાફ સાથે ચર્ચા અને આયોજન કરી સલામત રીતે અંગોને જરૂરતમંદ વ્યક્તિ સુધી પહોંચતા કર્યા. બ્રેઈનડેડ પ્રભાબેન સો ટકા કોરોના નેગેટિવ હોવાની તકેદારી રાખી કોરોનાની વર્તમાન સ્થિતિમાં ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશભાઈ માંડલેવાલા અને તેમની ટીમે ઉદાહરણીય સેવાકાર્ય કર્યું.

અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરના (IKDRC)ના ડૉ.સુરેશ કુમાર અને તેમની ટીમે સુરત આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. અહીં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.

ડોનેટ લાઈફ સંસ્થાના પ્રયાસો અને ભુવા પરિવારે સ્વજનને ગુમાવવાનું દુઃખ છતાં માનવતાની જ્યોત પ્રગટાવી અને વહાલસોયા આપ્તજનના અંગોનું દાન કરી અન્ય દર્દીઓના જીવનમાં ઉજાસ પાથર્યો છે.

અંગદાનની પ્રક્રિયામાં સ્વ.પ્રભાબેનના પતિ ધીરૂભાઈ, પુત્રો સંજય અને વિજય, પુત્રી દક્ષા, રમેશભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડૉ.હિતેશ ચિત્રોડા, ન્યૂરોફિજીશિયન ડૉ.ગૌરાંગ ઘીવાલા, એનેસ્થેટીસ્ટ ડૉ.રવિશા શેઠ, આર.એમ.ઓ. ડૉ.વિરેન પટેલ અને ડૉ.કલ્પના સવાણી, મેડિકલ એડમિનિસ્ટ્રેટર ડૉ.નીરજ પટેલ, વિનસ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના મંત્રી રાકેશ જૈન, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.

નોંધનીય છે કે, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ૩૭૭ કિડની, ૧૫૪ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૩૧ હૃદય, ૧૨ ફેફસાં અને ૨૮૦ ચક્ષુઓ કુલ ૮૬૧ અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને ૭૯૧ વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Exit mobile version