ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલની બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગ મળી, મહિલા સાહસિકો દ્વારા બિઝનેસનું પ્રેઝન્ટેશન કરાયું

યુ.એસ.એ.માં જૂન– ર૦રરમાં વિવિધ સ્થળે યોજાનારા ટેકસટાઇલ એકઝીબીશનમાં પાર્ટીસિપેટ કરવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વિમેન આંત્રપ્રિન્યોર સેલની ગુરૂવાર, તા. ૬ જાન્યુઆરી, ર૦રરના રોજ સમૃદ્ધિ, સરસાણા ખાતે બિઝનેસ પ્રેઝન્ટેશન મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની વિમેન આંત્રપ્રિન્યોર સેલની ૪૦ જેટલી મહિલા ઉદ્યોગ સાહસિકોએ પોતપોતાના બિઝનેસનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

આ મિટીંગમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતી અને ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ મહિલા ઉદ્યોગ સાહસિકોને તેઓના બિઝનેસના ડેવલપમેન્ટ માટે દેશમાં તથા વિદેશોમાં યોજાતા વિવિધ એકઝીબીશનોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. ચેમ્બરના ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ વિમેન આંત્રપ્રિન્યોર સેલની મહિલા ઉદ્યોગ સાહસિકોએ જૂન– ર૦ર૧થી ડિસેમ્બર– ર૦ર૧ સુધી બિઝનેસની કરેલી આપ–લે વિશે તેમજ ગાઇડલાઇન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

વિમેન આંત્રપ્રિન્યોર સેલના ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ તેમજ એકઝીબીશન વિશે માહિતી આપી મહિલા ઉદ્યોગ સાહસિકોને ચેમ્બરની બધી જ પ્રવૃત્તિઓમાં જોડાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. યુ.એસ.એ.માં જૂન– ર૦રરમાં ડલાસ્ક, ટેકસાસ, લોસ એન્જલસ અને કેલિફોર્નિયા ખાતે ટેકસટાઇલનું એકઝીબીશન યોજાવાનું છે. આથી આ એકઝીબીશનમાં પણ પાર્ટીસિપેટ કરવા માટે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રેરીત કરવામાં આવ્યા હતા. ચેમ્બરના વિમેન આંત્રપ્રિન્યોર સેલમાં ગારમેન્ટ, ડાયમંડ, એનજીઓ, ઇન્સ્યુરન્સ, ગૃહ ઉદ્યોગ, પેઇન્ટીંગ, ડોકટર્સ, એન્જીનિયર્સ અને વકીલાત જેવા ક્ષેત્ર તથા ઉદ્યોગો સાથે સંકળાયેલી મહિલા સાહસિકો જોડાયેલી છે.

વિમેન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન કૃતિકા શાહે મિટીંગનું સંચાલન કર્યું હતું. અંતે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતિ શેઠવાલાએ સર્વેનો આભાર માની મિટીંગનું સમાપન કર્યું હતું.

Exit mobile version