ચેમ્બરના પ્રતિનિધી મંડળે માંગરોળના ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્કની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી

મેગા ફૂડ પાર્ક માટે સરકાર તરફથી મળતી સબસિડી, એકસપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ તથા કોલ્ડ સ્ટોરેજ વિશે ચેમ્બરના પ્રતિનિધી મંડળે માહિતી મેળવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની ઇન્ડસ્ટ્રીયલ એન્ડ બિઝનેસ ટૂર કમિટીના ચેરમેન અરવિંદ બાબાવાલાના નેજા હેઠળ ચેમ્બરના ર૦ જણાના પ્રતિનિધી મંડળે ગત તા. ૧૪ એપ્રિલ, ર૦રર ના રોજ માંગરોળ ખાતે આવેલા ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્કની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી. ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્કના સંચાલક પ્રણવ દોશીએ ચેમ્બરના પ્રતિનિધી મંડળને આવકારી સમગ્ર પાર્કની મુલાકાત કરાવી હતી.

ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફૂડ પાર્કમાં ઘણા કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં દરેક પ્રકારના ફળો અને શાકભાજી, રેડી ટુ ઇટ ફૂડ, સુમુલની પ્રોડકટ અને ગોડ સ્ટોરેજ કરવામાં આવે છે. કોલ્ડ સ્ટોરેજમાં આ પ્રોડકટ છ મહિના સુધી સાચવી રાખી શકાય છે. છ મહિના સુધી આ પ્રોડકટની ગુણવત્તા જળવાઇ રહી શકે એ પ્રકારના કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે. આ પાર્કમાં એકસપોર્ટ ઓરિએન્ટેડ યુનિટો આવેલા છે. જ્યાંથી મોટા ભાગે બધી પ્રોડકટ એકસપોર્ટ કરવામાં આવે છે. લોજિસ્ટીક માટેની તમામ સુવિધા ઉપલબ્ધ હોવાથી આ મેગા ફૂડ પાર્ક સુધી સરળતાથી પહોંચી શકાય છે. આ બધી બાબતો ઉપરાંત મેગા ફૂડ પાર્ક બનાવવા માટે સરકાર તરફથી મળતી સબસિડી વિશે ચેમ્બરના પ્રતિનિધી મંડળે માહિતી મેળવી હતી.

Exit mobile version