ચેમ્બર દ્વારા જીએસટીની જટિલતાઓ અને મુવર સ્કીમ વિશે ટેકસટાઇલ વેપારીઓને માહિતગાર કરાયા

ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક એકાઉન્ટ એટેચ કરવાની પ્રક્રિયાથી બચવા માટે વેપારીઓએ સમયસર જીએસટી રિટર્ન ફાઇલ કરવું જ જોઇએ : સીએ મુકુંદ ચૌહાણ 

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા પાંડેસરા વિવર્સ કો–ઓપરેટીવ સોસાયટી લિમિટેડ અને બમરોલી વિવર્સ એસોસીએશનના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૬ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘જીએસટીની જટીલતાઓ અને મુવર સ્કીમ’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મુકુંદ ચૌહાણે વેપારીઓને જીએસટી કાયદાની જટીલતાઓ તથા મુવર સ્કીમ વિશે વિસ્તૃત સમજણ આપી હતી.

સીએ મુકુંદ ચૌહાણે વેપારીઓને જીએસટી વિભાગ દ્વારા બેંક એકાઉન્ટ એટેચ કરવાની બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવા માટે સૂચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા સમયસર જીએસટી રિટર્ન નહીં ભરાય તો ડિપાર્ટમેન્ટ દ્વારા બેંક એકાઉન્ટને એટેચ કરવામાં આવે છે. આથી વેપારીઓએ આ મામલે સાવચેત રહેવું જોઇએ અને સમયસર જીએસટી રિટર્ન ફાઇલ કરવું જોઇએ.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, વેપારીઓ દ્વારા જે પણ ઇન્વોઇસ બનાવવામાં આવે છે અને પેમેન્ટ કરવામાં આવે છે તેનો ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધીનો રેકોર્ડ સાચવી રાખવો જોઇએ. જીએસટી ઓડીટ વખતે આ રેકોર્ડ ખૂબ જ કામ લાગે છે. જો આવો રેકોર્ડ રજૂ કરવામાં વેપારીઓ સક્ષમ નહીં થાય તો તેમને જીએસટીની ક્રેડીટ ગુમાવવાનો વારો આવી શકે છે. તેમણે વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી એવી મુવર સ્કીમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ ઉપરોકત સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. અંતે બમરોલી વિવર્સ એસોસીએશનના પ્રમુખ રાકેશ મલેકપુરવાલાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version