ચેમ્બર ઓફ કોમર્સનું પ્રતિનિધી મંડળ ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયાના નેતૃત્વ હેઠળ ચેમ્બરની જરી કમિટીના કો–ચેરમેન મહેન્દ્ર ઝડફીયા અને મેનેજિંગ કમિટીના સભ્ય અલ્પેશ જોશી સહિતના એક પ્રતિનિધી મંડળે ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FTCCI)ની મુલાકાત લીધી હતી. જેમાં તેઓએ FTCCIના પ્રમુખ રમાકાંત ઇનાની, ઉપપ્રમુખ અનિલ અગ્રવાલ, આઇટી કમિટીના ચેરમેન કે. મોહન રાઇડુ, સીઇઓ ખ્યાતિ નારવણે, ડાયરેકટર આર. કુલકર્ણી તથા અન્ય સ્થાનિક ઉદ્યોગપતિઓ સાથે ઉદ્યોગ – ધંધાના વિકાસ માટે મહત્વની ચર્ચા વિચારણા કરી હતી.

ચેમ્બરના માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયાએ દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ – ધંધાને પ્રમોટ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓથી FTCCIના પ્રમુખ સહિતની ટીમને વિસ્તૃત માહિતી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા દેશના વિવિધ શહેરોમાં ફાળવવામાં આવેલા સાત જેટલા મેગા ટેકસટાઇલ પાર્ક વિશે તેમણે ચર્ચા કરી હતી અને સુરત આવવા માટે FTCCIની સમગ્ર ટીમને આમંત્રણ પણ આપ્યું હતું. ચેમ્બરના પ્રતિનિધી મંડળે સ્થાનિક ઉદ્યોગોની પણ મુલાકાત લીધી હતી અને સ્થાનિક ઉદ્યોગોમાં થયેલા નવીનીકરણ, આધુનિકીકરણ તેમજ ટેકનોલોજી અપગ્રેડેશન વિશે માહિતી મેળવી હતી.

આ ઉપરાંત ચેમ્બરના પ્રતિનિધી મંડળે તેલંગાણા સરકારના ઇન્ડસ્ટ્રી એન્ડ કોમર્સ ડિપાર્ટમેન્ટના સેક્રેટરી શૈલજા રામૈયર (IAS) સાથે મુલાકાત કરી હતી તથા દક્ષિણ ગુજરાત અને તેલંગાણાના ઉદ્યોગ – ધંધા સાથે મળીને કેવી રીતે ડેવલપ થઇ શકે તે દિશામાં મહત્વની ચર્ચા કરી હતી. ૧૦૪ વર્ષ જૂના ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FTCCI)ના હોદ્દેદારો, ટેકસટાઇલ મંત્રી અને સ્થાનિક ઉદ્યોગપતિઓનું એક પ્રતિનિધી મંડળ તેલંગાણાથી સુરત ખાતે ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે આવનાર છે અને બીટુબી ધોરણે ચેમ્બર દ્વારા યોજાતા વિવિધ પ્રદર્શનો તેમજ ઉદ્યોગ – ધંધા વિશે માહિતી મેળવશે.

તદુપરાંત ચેમ્બરના પ્રતિનિધી મંડળે તેલંગાણાના ચેવેલ્લા લોકસભાના સાંસદ ડો. જી. રણજીથ રેડ્ડી સાથે મુલાકાત કરી તેઓને પણ સુરત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

Exit mobile version