નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશન અને કિરણ હોસ્પિટલ, સુરતના સહકારથી રવિવારે, તા. ર૭ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ વેડરોડ ખાતે ઇન્ડસ્ટ્રીના કર્મચારીઓ તથા તેમના પરિવારજનો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયા, ઉપપ્રમુખ આશિષ ગુજરાતી, માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસી તથા ગૃપ ચેરમેન હિમાંશુ બોડાવાલા અને રાકેશ ગાંધી તેમજ વેડરોડ આર્ટ સિલ્ક સ્મોલ સ્કેલ કો–ઓપરેટીવ ફેડરેશનના પ્રમુખ દેવેશ પટેલ અને સેક્રેટરી કાંતિ અંજીરવાલા વિગેરે ઉપસ્થિત રહયા હતા.

આ શિબિરમાં ૧૬પ જેટલા કારીગરો તથા તેમના પરિવારજનોની તબીબી તપાસ કરવામાં આવી હતી અને તેઓને જરૂરિયાત મુજબ સારવાર આપવામાં આવી હતી. બધાના કાર્ડીયોગ્રામ અને સુગરની તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી. કારીગરોને સ્થળ પર જરૂરિયાત મુજબ વિના મૂલ્યે દવાઓ પણ અપાઇ હતી. ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટી દ્વારા આગામી દિવસોમાં જુદા–જુદા ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં રેગ્યુલર મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે.

ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન ડો. પારૂલ વડગામાના સહકારથી ચેસ્ટ ફિઝીશ્યન ડો. હરદીપ મણિયાર, ડર્મેટોલોજીસ્ટ ડો. નંદીતા પટેલ, આંખના નિષ્ણાંત ડો. કૃતિ પંચાલ અને કાન–નાક–ગળાના રોગોના નિષ્ણાંત ડો. ભાવિન પટેલે પોતાની સેવા આપી હતી.

Exit mobile version