ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના કર્મચારીઓ માટે વિના મૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને માહેશ્વરી ભવન, સુરતના સંયુકત ઉપક્રમે તેમજ નવી સિવિલ હોસ્પિટલ, સુરતના સહકારથી સિટીલાઇટ સ્થિત માહેશ્વરી ભવન ખાતે ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના કર્મચારીઓ માટે વિના મૂલ્યે મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૨ જેટલા ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના કર્મીઓની વિના મૂલ્યે તબીબી તપાસ કરવામાં આવી.
મેડિકલ કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે સુરતના પોલિસ કમિશનર અજયકુમાર તોમર અને ટ્રાફીકના નાયબ પોલીસ કમિશનર પ્રદીપકુમાર સુમ્બે ઉપસ્થિત રહ્યાં હતાં. દીપ પ્રાગટ્ય વિધિ સાથે મેડિકલ કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતુ કે, પોલીસ પ્રજાની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવે છે. ખાસ કરીને ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના કર્મીઓ શહેરની ટ્રાફીક વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોને કોઈ તકલીફ નહીં થાય તે માટે વરસાદ હોય કે તડકો તેઓ ખડે પગે પોતાની ફરજ અદા કરે છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે તેઓનું આરોગ્ય સારું અને સ્વસ્થ રહે તેનું ધ્યાન રાખીએ. આથી ચેમ્બર દ્વારા તબીબોની મદદથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ ચેમ્બર દ્વારા ઔદ્યોગિક વિસ્તારના કારીગર વર્ગ માટે મેડિકલ કેમ્પ યોજાયા હતાં.

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે ટ્રાફીકનું નિયમન સરળતાથી થાય તે માટે પોલીસ દિવસ – રાત ફરજ બજાવે છે. જેથી પોલીસકર્મીઓનું આરોગ્ય જોખમાય છે. આવા સંજોગોમાં ચેમ્બર અને શહેરના તબીબો, પોલીસના આરોગ્ય માટે કાળજી કરે તે અમારા માટે ખુશીની વાત છે.

આ પ્રસંગે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતી અને ગૃપ ચેરપર્સન ડો. બંદના ભટ્ટાચાર્યએ પ્રાસંગિક વિધિ કરી હતી.
મેડિકલ કેમ્પમાં ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને ૭૮ કર્મચારીઓ તથા ૧૮૪ ટીઆરબીનાં કર્મીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી મોટાભાગના કર્મીઓમાં શ્વાસ અને જોઇન્ટ પેઇનની તકલીફ વધારે દેખાઇ હતી. જ્યારે ૧૦૦ જેટલા કર્મીઓમાં ડેન્ટલ સમસ્યા દેખાઇ હતી. મહિલા પોલીસ કર્મીઓ માટે ગાયનેક સુવિધા પણ રાખવામાં આવી હતી.
તબીબો દ્વારા ઇસીજી, કાર્ડિયોગ્રામ, સુગર, પીએફટી, આરબીએસના રિપોર્ટ વિના મૂલ્યે કરી આપવામાં આવ્યાં હતાં તથા જરૂરિયાત મુજબ દવાઓ પણ આપવામાં આવી હતી.

ચેમ્બરની પબ્લીક હેલ્થ કમિટીના ચેરપર્સન અને ચેસ્ટ ફિઝીશીયન ડો. પારૂલ વડગામાના નેજા હેઠળ ચેસ્ટ ફિઝીશીયન ડો. સમીર ગામી, ફિઝીશીયન ડો. મેહુલ ભાવસાર અને ડો. રાજેશ જોબનપુત્રા, ડર્મેટોલોજીસ્ટ ડો. જગદીશ સખીયા, દાંતના નિષ્ણાંત ડો. જિગીશા શાહ, મનોચિકીત્સક ડો. મુકેશ જગીવાલા, સર્જન ડો. હિરેન વૈદ્ય, ગાયનેકોલોજીસ્ટ ડો. સોનીયા ચંદનાની અને યેશા ભગત, ઓપ્થેલ્મોલોજીસ્ટ ડો. સમીર સુરતવાલા, ઇએનટી ડો. અક્ષય સુરતવાલા, મેડીકલ ઓફિસર ડો. સી.બી. પટેલ, રેડીયોલોજીસ્ટ ડો. નિપુણ જોશી, ડો. જયેશ ઠકરાર તથા પેથોલોજિસ્ટ ડો. હરનીશ બદામી, ડો. કેતન જાગીરદાર અને ડો. હિરેન મકવાણાએ તબીબી સેવા આપી હતી.

Exit mobile version