તંદુરસ્ત બાળકો સ્વસ્થ નાગરિક બનીને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે – કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલા

આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ગામોના વિકાસ માટે ગ્રામ્ય કક્ષાએ વિકાસ ઉત્સવ ઉજવીએ

અમરેલી નજીકના ઈશ્વરીયા ગામે આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં સુપ્રસિધ્ધ કથાકારશ્રી મોરારીબાપુના હસ્તે ‘મદદ’ શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટેની ઝુંબેશનો આજથી કેન્દ્રીય મંત્રીશ્રી રૂપાલાએ પૃષ્ટીમાર્ગના પ્રણેતા શ્રીવલ્લભાચાર્યના પ્રાગટ્યોત્સવ નિમિત્તે શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી પરષોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, આ શાળાનો પ્રારંભ સાથે કુપોષણ સામે ઝુંબેશ શરૂ કરી છે. કુપોષણ એ ભોજનના અભાવના કારણે નહીં પરંતુ જાગૃતિના અભાવે થાય છે. કુપોષણને ખતમ કરીને બાળકોને સુપોષિત કરવા માટે યોગ્ય કાળજી અને જાગૃતિની જરૂર છે. તંદુરસ્ત બાળકો સ્વસ્થ નાગરિક બનીને સ્વસ્થ ભારતના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવે છે. રાજ્યની સુખાકારી માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મા-કાર્ડ યોજના શરૂ કરાવી અને દેશની જનતા માટે આયુષ્યમાન કાર્ડ આપીને મજબુત અને સ્વસ્થ દેશના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

શ્રી રૂપાલાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને સહિયારા પ્રયાસથી પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગાયકવાડ વખતની શાળાનું નવીનીકરણ કર્યા બાદ લોકાર્પણ કરતાં ગૌરવની લાગણી અનુભવતા મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસની રાજનીતિ કરવાની અનોખી પ્રણાલી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ભેંટ છે.

મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અંગે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, શિક્ષણ માટે જ્ઞાન રૂપી દેવી અને નદી રૂપી દેવી સરસ્વતીના સંસર્ગથી વ્યક્તિને સર્વ દોષોમાંથી મુક્તિ અપાવે છે. મદદ સંસ્થા અંગે પોતાના વિચારો વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મદદ કરવા માટે કોઇને કહેવું અને મદદ કર્યા પછી કોઇને કહેવું તો એ મદદ નથી. આમ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સુત્રને મદદ ટ્રસ્ટે ચરિતાર્થ કર્યું છે.

આ પ્રસંગે અમરેલી તાલુકામાં યોજાયેલી તંદુરસ્ત બાળક સ્પર્ધામાં વિજેતા કુલ 18 બાળકોને મહાનુભાવોના હસ્તે મેડલ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કથાકારશ્રી મોરારીબાપુસ મથુરાના સાંસદશ્રી હેમા માલિની, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version