જિલ્લા પંચાયત દ્વારા ‘રાષ્ટ્રીય કૃમિનાશક અભિયાન’નો શુભારંભ

આંગણવાડી અને સ્કૂલોમાં ૧ વર્ષ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળીઓનું સેવન કરાવાશે

સુરત: રાજ્ય સરકાર દ્વારા વર્ષમાં બે વખત ફેબ્રુઆરી અને ઓગસ્ટ માસમાં ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’ ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સુરત જિલ્લામાં તા.૨૨ ફેબ્રુ.થી ‘રાષ્ટ્રીય કૃમિનાશક દિન’ની ઉજવણીનો શુભારંભ કરાયો હતો. જેમાં તા.૨૨ ફેબ્રુ. થી તા.૨ માર્ચ,૨૦૨૧ સુધી સુરત જિલ્લાનાં આરોગ્ય કર્મચારીઓ, આશાબહેનો તથા આંગણવાડી કાર્યકર અને શિક્ષકો દ્વારા ઘરે-ઘરે જઈને તેમજ આંગણવાડી અને સ્કૂલોમાં ૧ વર્ષ થી ૧૯ વર્ષ સુધીના તમામ બાળકોને સામુહિક રીતે કૃમિનાશક ગોળીઓનું સેવન કરાવાશે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.હસમુખ ચૌધરી તથા ઇ.જિલ્લા આર.સી.એચ અધિકારીશ્રી ડૉ.એમ.એમ.લાખાણી દ્વારા સુરત જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે આલ્બેન્ડોઝલ ગોળી એકદમ સુરક્ષિત છે, જેની કોઈપણ જાતની આડ અસર નથી. આ સાથે દરેક તાલુકા હેલ્થ ઓફિસરોના નિરિક્ષણ હેઠળ દરેક તાલુકાઓમાં ‘કૃમિમુક્ત ભારત, સ્વસ્થ ભારત’ના ધ્યેય સાથે કૃમિનાશક દિન ઉજવણીનો પ્રારંભ થયો છે.

Exit mobile version