મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છાપરાભાઠા ખાતે દાંડીયાત્રીઓ સાથે જોડાયા

અમૃત મહોત્સવ હેઠળ યોજાયેલી દાંડી યાત્રાએ આત્મનિર્ભર ભારતનો અનેરો સંદેશો આપે છેઃ એમ.પી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ

સુરતઃ  આઝાદીનો અમૃત મહોત્સ વની ઉજવણી અંતર્ગત તા.૧૨મી માર્ચના અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડી યાત્રા આજે તા.૧મી એપ્રિલના રોજ ૨૧માં દિવસે સુરત શહેરમાં પ્રવેશી બપોરે છાપરાભાઠા ગામે આવી પહોચી હતી. જયાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રીશ્રી શિવરાજસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ શિંવરાજસિંહ ચૌહાણ તાથ રાજયના આદિજાતિમંત્રીશ્રી રમણભાઈ પાટકર છાપરાભાટા ખાતેથી પદયાત્રીઓ સાથે દાંડીયાત્રામાં જોડાયા હતા.

આ વેળાએ શ્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતની ભૂમિએ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અનેક મહાપુરૂષોની જન્મદાત્રી રહી છે. મા નર્મદા અને તાપી મૈયા મધ્યપ્રદેશથી નીકળીને ગુજરાતના સમુદ્રને મળે છે. આ બન્ને માતાઓ ગુજરાત અને મધ્યપ્રદેશને દિલોથી જોડે છે. ભારતની આઝાદી માટે ગાંધીજી જેવા મહાપુરૂષોએ સત્ય અને અહિંસાના માર્ગે આંદોલનો કરીને અંગ્રેજોએ હફાવ્યા હતા. જયારે ભગતસિંહ, રાજગુરૂ, અસફાક ઉલ્લા ખાન જેવા અનેક મહાન ક્રાંતિકારોએ સશસ્ત્રક્રાંતિ દ્વારા મા ભોમને આઝાદ કરવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી. આજ ભૂમિના સપૂત વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારતનો સંદેશો આપીને દેશને વિશ્વગુરૂ બનાવવાનો નિર્ધાર કર્યો છે. આજે આ મહાપુરૂષોના બલિદાનોને યાદ કરીને સૌ ભારતવાસીઓ ત્યાગ, તપસ્યા અને કર્તવ્યનિષ્ઠાથી આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સખત પરિશ્રમ કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો.

તેમણે કહ્યું કે, મીઠુએ વફાદારી અને આત્મનિર્ભરતાનું પ્રતિક છે. દેશને આઝાદી માટે બાપુએ અનેક આંદોલનો દ્વારા ગામે ગામ જઈને જનજન સુધી દેશભકિતના અનેરા વાતાવરણનું નિર્માણ કર્યું હતું. મહાત્માએ દાંડી ખાતેથી ચપટી મીઠુ ઉપાડ મીઠાના કાયદો તોડીને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી નાખ્યા હતા. આઝાદી માટે બલિદાનો આપનારા વીરોએ યાદ કરીને તેમના સપનાઓનું ભારત નિર્માણ કરવા સંકલ્પબધ્ધ થવાનું આહ્વાન કર્યું હતું.

આ વેળાએ રાજયના વન, આદિજાતિ રાજયમંત્રીશ્રી રમણભાઈ પાટકર, સાંસદશ્રીમતિ દર્શનાબેન જરદોશ, ડે.મેયરશ્રી દિનેશ જોધાણી, જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, ડીઆરડી.ઓ.રાધિકાબેન લાઠિયા, મામલતદારશ્રી ગૌસ્વામી તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version