હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ વચ્ચે થયા એમઓયુ

રોટરી ક્લબ અને હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન એક વર્ષ દરમિયાન કરશે અનેક મહત્ત્વના પર્યાવરણીય પ્રોજેક્ટ્સ

સુરત: પર્યાવરણ માટે કામ કરતી સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન અને રોટરી ડિસ્ટ્રીક્ટ ૩૦૬૦ વચ્ચે આગામી એક વર્ષ સુધી નક્કર પર્યાવરણીય કાર્યો કરવા માટે મોટાપાયે ‘મિશન પૃથ્વી’ નામે કરાર થયા છે, જે અંતર્ગત આગામી એક વર્ષની અંદર બંને સંસ્થાઓ સાથે મળીને ગુજરાતના અનેક શહેરોમાં મિયાવાકી ફોરેસ્ટ તૈયાર કરશે, મોડેલ સ્ટેશન્સ બનાવશે અને હજારો વિદ્યાર્થીઓ સાથે નોલેજ એક્સચેન્જ પ્રોગ્રામ્સ યોજશે.

‘મિશન પૃથ્વી’ અંતર્ગત યોજાનારા આ પ્રોજેક્ટ માટે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરમેન ગ્રીનમેન વિરલ દેસાઈ તેમજ રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ના ગવર્નર સંતોષ પ્રધાને એમઓયુ સાઈન કર્યા હતા. જેમાં ડિસ્ટ્રીક એનવાર્યમેન્ટ ચેર પંકજ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું, ‘આગામી એક વર્ષ દરમિયાન અમે ગુજરાતના અનેક શહેરો કે ગામોમાં વધુમાં વધુ મિયાવાકી ફોરેસ્ટ્સ તૈયાર કરીશું કે મોડેલ સ્ટેશન્સ બનાવીશું. રોટરી ડિસ્ટ્રીક સાથેના ‘મિશન પૃથ્વી’ પ્રોજેક્ટમાં અમારો મુખ્ય ધ્યેય ઈકો સિસ્ટમ રિસ્ટ્રોરેશનનો છે. જેમાં ફોરેસ્ટ્રેશનના માધ્યમથી અમે ત્રીપલ એ એટલે કે અવેરનેસ, એટિટ્યુડ અને એક્શનને કેન્દ્રમાં રાખીને પક્ષીઓ, પતંગીયા, અન્ય જીવાતો કે સરીસૃપોને યોગ્ય માહોલ પૂરો પાડીશું. આ ઉપરાંત અમે ગુજરાતભરના રોટ્રેક્ટ્સ તેમજ ઈન્ટરેક્ટ્સ સાથે ક્રેશ કોર્સના માધ્યમથી સંવાદ કરીને દસ હજાર જેટલા યુવાનોમાં પર્યાવરણીય બાબતોએ જાગૃતિ આણીશું. એક તરફ આખું વિશ્વ પર્યારણીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે મને દૃઢ વિશ્વાસ છે કે અમારા આ સહિયારા પ્રોજેક્ટથી અમે વિશ્વભરના પર્યાવરણમાં નોંધપાત્ર યોગદાન આપીશું.’

ઉલ્લેખનીય છે કે રોટરી ડિસ્ટ્રીક ૩૦૬૦ અંતર્ગત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેક ક્લબ્સ આવે છે. જેનું પ્રતિનિધિત્વ આગામી એક વર્ષ સુધી ડિસ્ટ્રીક્ટ ગવર્નર તરીકે સંતોષભાઈ પ્રધાન કરશે. આ કરાર અંતર્ગત તેમણે કહ્યું હતું કે, ‘રોટરી અનેક ક્ષેત્રોમાં કામ કરે છે, જેમાં પર્યાવરણ બાબતના કાર્યોનો પણ પાછલા વર્ષોમાં ઉમેરો થયો છે. અંગત રીતે હું પર્યાવરણ બાબતે અત્યંત સંવેદનશીલ છું એટલે મારી એવી ઈચ્છા હતી કે મારા ડિસ્ટ્રીક ગવર્નર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન હું વધુમાં વધુ ફોક્સ પર્યાવરણીય બાબતો પર કરું. મને વિશ્વાસ છે કે આગામી એક વર્ષમાં અમે આંતરાષ્ટ્રીય સ્તરે પડધા પડે એવા ફોરેસ્ટ્સ તૈયાર કરીશું અને મોડેલ સ્ટેશન્સ બનાવીશું. પાછલા સમયમાં અમે જોયું કે હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશને પર્યાવરણના ક્ષેત્રના મહત્ત્વના પ્રોજેક્ટ્સ કર્યા છે. એમના કેટલાક પ્રોજેક્ટ્સમાં રોટરી જોડાયું પણ છે, જેના ભાગરૂપે જ અમે પર્યાવરણના ક્ષેત્રમાં નક્કર કાર્ય કરવાનું આયોજન કર્યું છે.’

Exit mobile version