જીપીસીબી દ્વારા જાહેર કરાયેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન

ચેમ્બર દ્વારા લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી હતી

જીપીસીબી દ્વારા અમદાવાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ ચેમ્બર વતિ અભિવાદન કર્યું

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાના નેજા હેઠળ ચેમ્બરના પ્રતિનિધી મંડળે રવિવાર, તા. પ જૂન, ર૦રર ના રોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ચેમ્બર વતિ અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા રિવાઇઝ કરવામાં આવેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાનું મુખ્યમંત્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.

નવા સાઇટીંગ ક્રાઇટેરીયા બનાવવા માટે ચેમ્બર દ્વારા ઘણા વખતથી રાજ્ય સરકારને રજૂઆતો કરવામાં આવતી હતી. આ અંગે ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ)ને પણ રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી જીપીસીબી દ્વારા પરિપત્ર નં. ગુ.પ્ર.નિ.બોર્ડ/પરિપત્ર/એન.એ./આર.જે./૧/૦૬/૧૦રપ૩, તા. ૧ર/૦૪/ર૦૦૬ માં દર્શાવેલ શરતોને આધિન સાઇટીંગ ક્રાઇટેરીયા પ્રમાણે જીપીસીબી દ્વારા CTE/CTO/NOC આપવામાં આવતું હતું.

તા. પ જૂન, ર૦રર ના રોજ જીપીસીબી દ્વારા જાહેર કરેલા નવા સાઇટીંગ ક્રાઇટેરીયા મુજબ ઉપરોકત પરિપત્ર રદ કરવામાં આવ્યું છે તથા હવે પછી એકમોને પ્રદુષણના નિયમ હેઠળ રેડ, ઓરેન્જ કે ગ્રીન જે કેટેગરીમાં આવતા હોય તેના આધારે સાઇટીંગ ક્રાઇટેરીયાના માપદંડો લાગુ પડશે. જીપીસીબી દ્વારા નવા સાઇટીંગ ક્રાઇટેરીયાની કરાયેલી જાહેરાતમાં ચેમ્બર દ્વારા વિવિધ સ્તરે કરવામાં આવેલી માંગણીઓનો સુખદ અંત લાવવામાં આવ્યો હતો, જેનો લાભ હવે ઉદ્યોગકારોને મળશે.

Exit mobile version