
જે દેશમાં પરણવું હોય ત્યાંની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, જીવનશૈલી, ટાઇમ ઝોન અને ઘરના માહોલને ધ્યાનમાં રાખીને જ યુવતિઓએ પરણવું જોઇએ, યુવાન વિશેની બધી જ ચોકકસ માહિતી મેળવવી જોઇએ : વકીલ પ્રીતિબેન જોશી
સુરત. ભારતને સ્વતંત્ર થવાને ૭પ વર્ષ પૂર્ણ થયા હોવાથી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એનઆરજી સેન્ટર, સુરતના સંયુકત ઉપક્રમે તેમજ શ્રી તાપી બ્રહમચર્યાશ્રમ સભા, સુરતના સહકારથી બુધવાર, તા. ૬ જુલાઇ, ર૦રર ના રોજ બપોરે રઃ૩૦ કલાકે વરાછા રોડ સ્થિત શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીના સેમિનાર હોલ ખાતે ‘એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતની સુપ્રીમ કોર્ટના વકીલ પ્રિતીબેન જોશી દ્વારા વિદેશમાં પરણવાની ઈચ્છા ધરાવનાર યુવતિઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મામલતદાર ઉત્સવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની બહાર ભારતમાં તથા વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે વન સ્ટેપ સોલ્યુશન હેતુ આ સેન્ટર ગાંધીનગર ખાતે કાર્યરત છે. બિન નિવાસી ગુજરાતીઓને ગુજરાતી કાર્ડ આપવામાં આવે છે, જે અત્યાર સુધી ર૬ હજાર વ્યકિતઓને આપવામાં આવ્યું છે. જેથી તેઓને ગુજરાતમાં વિવિધ સ્થળે ખરીદી માટે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે તથા અન્ય સુવિધાઓ મળી રહે છે. વધુમાં તેમણે ગુજરાત પરિભ્રમણ યોજના તથા વડીલોને કરાવવામાં આવતા ગુજરાતના પ્રવાસ અંગે માહિતી આપી હતી.
વકીલ પ્રિતીબેન જોશીએ જણાવ્યું હતું કે, દિકરીઓને વિદેશમાં પરણાવવાનું ચલણ વધ્યું છે ત્યારે ઘણી બધી બાબતો એવી છે કે તેના વિશે ચોકસાઇપૂર્વક ધ્યાન રાખવું પડે છે. ખાસ કરીને જે દેશમાં દિકરી પરણવાની હોય એ દેશની ભાષા સમજવી જરૂરી છે. ખોરાક અને સંસ્કૃતિનું ધ્યાન રાખવું પડે છે. કારણ કે, લગ્ન બાદ વિદેશની સંસ્કૃતિમાં ઢળવાનું હોય છે. ત્યારબાદ જીવનશૈલી વિશે પણ ધ્યાન રાખવું પડે છે. વિદેશમાં બધા જ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે. આથી પડોશમાં કોણ રહે છે તેનો પણ ખ્યાલ હોતો નથી. ટાઇમ ઝોનમાં પણ તફાવત હોવાને કારણે ભારતમાં રહેતા માતા–પિતા અથવા પરિવારના અન્ય સભ્યો સાથે સંપર્ક થઇ શકતો નથી. આ ઉપરાંત વિદેશમાં ઘરના માહોલ મુજબ ઢળવાનું હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને જ વિદેશમાં લગ્ન કરવા માટે દિકરીઓએ વિચારવું જોઇએ.
લગ્ન કરતા પહેલા છોકરાની ઉમર, પરિવાર, તેનું ભણતર, રોજગાર, રહેઠાણ, કોઇ ગુનામાં ફસાયો છે કે કેમ? તથા વિદેશમાં કોઇ વીઝા લઇને નોકરી માટે ગયો હોય તો તેના વીઝાનો પ્રકાર વિગેરે ચોકકસ માહિતી મેળવવી જોઈએ. દિકરીઓ સોશિયલ મિડિયા ઉપર યુવાનો દ્વારા મુકવામાં આવેલી પ્રોફાઇલ જોઇને ભૌતિકતાવાદમાં આવીને તેઓની તરફ ખેંચાઇ જાય છે અને કયારેક છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે. આથી સોશિયલ મિડિયા ઉપર અજાણ્યા યુવાનો સાથે ચેટીંગ કરવાથી પણ સાવચેત રહેવાની તેમણે યુવતિઓને સલાહ આપી હતી.
કયારેક માત્ર ઘર કામ કરવા માટે પણ યુવતિને લગ્ન કરીને લઇ જવામાં આવે છે અને ત્યાં તેનો પતિ અન્ય યુવતિ સાથે લગ્ન કરીને પહેલાથી જ રહેતો હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂકયા છે. આથી કોઇનો લગ્ન માટેનો પ્રસ્તાવ પણ તુરંત સ્વીકારવો જોઇએ નહીં અને કોઇ કાગળ પર સહી કરતા પહેલા સો વખત વિચારવા માટે તેમણે યુવતિઓને સલાહ આપી હતી.
ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ ઇલેકટ રમેશ વઘાસિયાએ સેમિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું અને વકતાનો પરિચય પણ આપ્યો હતો. ચેમ્બરની એનઆરજી કમિટીના કો–ચેરમેન નિલેશ ગજેરાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરની એનઆરજી કમિટીના ચેરમેન કલ્પેશ લાઠીયાએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યું હતું.