ગ્રીન મેન વિરલ દેસાઈની વૃક્ષારોપણ ચળવળને વિદેશમાં વસતા ભારતીયોનું સમર્થન

સુરત:સુરતના બિઝનેસમેન અને ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવિદ વિરલ દેસાઈ થોડા દિવસો પહેલા ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વનમુવમેન્ટ છેડી હતી, જે અંતર્ગત તેમણે દેશ ઉપરાંત દુનિયાભરમાં વસતા ભારતીયોને ગણેશ ઉત્સવની ઉજાણી દરમિયાન વૃક્ષારોપણ કરવાની અપીલ કરી હતી. તેમની આ મુહિમને ગુજરાત બુક ઑફ રેકોર્ડના રાજેશ મહેશ્વરીએ પણ વધાવી લીધી હતી અને આ ચળવળને પર્યાવરણના ક્ષેત્રના એક અનોખા રેકોર્ડ તરીકે બિરદાવી હતી.

ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ટ્રી ગણેશાને નામે ગણેશ ઉત્સવની ઉજવણી કરે છે, જેમાં તેઓ વૃક્ષમાં જ ગણેશજીની સ્થાપના કરીને તેની અર્ચના કરે છે અને ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન પર્યાવરણ જાગૃતિના કાર્યો કરે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા સાવચેતીના ભાગરૂપે ટ્રી ગણેશાની ઉજવણી તેઓ જુદી રીતે કરી રહ્યા છે અને એ અંતર્ગત તેમણે દેશ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયોને અરજ કરી છે જો દરેક ભારતીય ગણેશ ઉત્સવ દરમિયાન પોતાના ઘરની પાસે અથવા અન્ય કોઈ પણ જગ્યાએ  માત્ર એક વૃક્ષ રોપશે તો પણ આપણે બધા ભારતીયો દુનિયાને એ પુરવાર કરી આપીશું કે આ ઉત્સવ દરમિયાન આપણે પર્યાવરણના ક્ષેત્રમાં કેવી મોટી અસર ઊભી કરી શકીએ છીએ.

આ માટે તેમણે તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ટ્રી ગણેશા, ઈચ વન પ્લાન્ટ વનમુવમેન્ટ છેડી હતી, જેને આપણા દેશની સાથે ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને યુરોપમાં વસતા ભારતીયોએ વધાવી લીધી હતી અને તેમણે પણ મોટી સંખ્યામાં આ ચળવળ સાથે જોડાવાની બાંહેધરી આપી હતી. ટ્રી પ્લાન્ટેશનની આ ગ્લોબલ ચળવળમાં જોડાવા માટે એક રજિસ્ટ્રેશન ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં રજિસ્ટર કરીને અનેક ભારતીયોએ ગણેશ ઉત્સવ દરમિયાન એક વૃક્ષ રોપવા માટેની તૈયારી દાખવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે વિરલ દેસાઈએ ભારતીયોને કરેલી આ અપીલમાં દાઉદી વહોરા સમાજના કેટલાક યુવાનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો છે.

વૃક્ષારોપણની આ ચળવળ સાથે જોડાવું હોય તો નીચેની લિંક પર ક્લિક કરીને તમારું નામ રજિસ્ટર્ડ કરાવી શકો છો.

https://forms.gle/1moWV64mURKu1Mtn6

Exit mobile version