સુરત: ભારત સરકારના યુવા કાર્ય અને રમત ગમત મંત્રાલય હેઠળના નહેરૂ યુવા કેન્દ્ર સૂરત દ્વારા મહુવા તાલુકાના કરચેલીયા ગામે ‘પાડોશી યુવા સંસદ કાર્યક્રમ’ યોજાયો હતો. જેમાં ૧૦૦ જેટલા યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી સચિન શર્માએ નહેરૂ યુવા કેન્દ્રની પ્રવૃત્તિઓ તેમજ કાર્યક્રમ વિશેની માહિતી આપી હતી.
કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય જળ મિશન હેઠળ જળ શક્તિ મંત્રાલયના અભિયાન “કેચ ધ રેન” અંતર્ગત જિલ્લા યુવા સલાહકાર સમિતિના દીપક જાયસ્વાલે દ્વારા યુવાનોને જળ સંરક્ષણનું મહત્વ સમજાવી શપથ ગ્રહણ કરાવ્યાં હતાં. ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફર્સ્ટ એડ ટ્રેનર નિલેશ વેજપરાએ યુવાઓને કોઈ પણ આપત્તિના સમયે સ્વબચાવની સાથે આપત્તિગ્રસ્ત લોકોના બચાવ કરી શકાય તેની મૌખિક અને પ્રાયોગિક સ્કીલ ટ્રેનિંગ આપી હતી. દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અને તે અંગેની અફવાઓથી દુર રહેવા તેમજ સમયસર રસી લેવા અંગે કરચેલીયાના પી. એચ. સી. ડૉ.નાઈમ દ્વારા સમગ્ર ગ્રામવાસીઓને આગ્રહ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં જાગૃત્તિ અને અન્યને મદદરૂપ થઈ પ્રતિનિધિત્વ કરી શકે તે હતો. સી. એસ. સી. બાલ વિદ્યાલય કરચેલીયાના ડાયરેક્ટર હિરલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.