સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ‘પ્લેટીનમ હોલ’, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, ખજોદ ચાર રસ્તા પાસે, સરસાણા, સુરત ખાતે એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી એવોર્ડ ફંકશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી રામકૃષ્ણ એકસપોર્ટસ પ્રા.લિ.ના ફાઉન્ડર એન્ડ ચેરમેન ગોવિંદ ધોળકીયા ઉપસ્થિત રહયા હતા. જ્યારે સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવ્યું હતું.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને વર્ષ ૧૯૯૦માં ઉદ્યોગ અને વેપારની સેવા કરતા પ૦ વર્ષ પૂર્ણ થતા ગોલ્ડન જ્યુબીલીની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આજના એવોર્ડ ફંકશનમાં ખાસ કરીને ભારતમાં સંરક્ષણ શસ્ત્રસરંજામનું નિર્માણ શરૂ કરીને શ્રેષ્ઠતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર સુરતમાં હજીરા સ્થિત એલ એન્ડ ટી ડિફેન્સ કંપનીને સ્પેશિયલ એવોર્ડથી નવાજવામાં આવી રહી છે. તેમણે કહયું કે, દક્ષિણ ગુજરાતની સાહસિક ભૂમિ પર એલ એન્ડ ટી કંપનીએ ‘આત્મનિર્ભર ભારત’અભિયાનને સાકારિત કરીને દેશની સીમા ઉપર અભેદ્ય કિલ્લા સમાન સ્વચાલિત કે૯ વજ્ર ટેન્કનું ઉત્પાદન કર્યું છે. સમગ્ર વિશ્વમાં એલ એન્ડ ટી કંપનીએ એન્જિનિયરીંગ ક્ષેત્રે અશક્યને શક્ય બનાવીને દેશનું ગૌરવ વધાર્યું છે.
મુખ્ય મહેમાન ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને ચેમ્બર જે રીતે ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરે છે તે ખૂબ જ સરાહનીય પગલું છે. આનાથી સારું કામ કરવા માટે પ્રેરણા મળે છે. એક ઉદ્યોગપતિને જ્યારે એવોર્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે અન્ય ઉદ્યોગકારોને પણ તેમની દિશાએ આગળ વધવાની આપોઆપ પ્રેરણા મળે છે. આથી સુરતના અને ઉદ્યોગના વિકાસ માટે પણ આ એવોર્ડ આભારી હોઇ શકે છે. તેમણે વધુમાં કહયું કે, ઉદ્યોગોએ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવી જ રહી પણ તેની સાથે સાથે તેમની સમાજ પ્રત્યે પણ જવાબદારી બને છે. આથી ઉદ્યોગોએ સમાજમાં પણ પોતાનું યોગદાન આપવું જોઇએ. આજે હું મારી જ સંસ્થામાં મુખ્ય મહેમાન તરીકે આવ્યો છું ત્યારે ગર્વની લાગણી અનુભવું છું.
અતિથિ વિશેષ સુરતના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, આ એવોર્ડ આપીને આપણે સફળતાને બિરદાવીએ છીએ. સફળ થયેલા ઉદ્યોગપતિની સાથે નિષ્ફળ થયેલા વ્યકિતઓના અનુભવમાંથી પણ બોધપાઠ લેવો જોઇએ. જો કે, આ એક મોટી એકસરસાઇઝ છે અને ચેમ્બર જેવી સંસ્થાએ આ અંગે સંશોધન કરવું જોઇએ. આજનો ખૂબ જ સારો પ્રસંગ છે અને તેમાં મને સુરતની જાણકારી પ્રાપ્ત થઇ છે. વૈશ્વિક કક્ષાએ ટેકસટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં શું થઇ રહયું છે તેની ખબર પડે છે.
તેમણે વધુમાં કહયું હતું કે મને લાગે છે કે હવે સુરત, ગુજરાતના કે દેશના નહીં પણ વિશ્વના વિકાસ પામેલા શહેરો સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકે છે તે અંગે વિચારવું જોઇએ. એના માટે ઉદ્યોગોની સાથે શૈક્ષણિક સંસ્થાઓએ સારી રીતે વિકસિત થવું પડશે. શૈક્ષણિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓ માટે નવા વિકલ્પો શોધવા જોઇએ. નવી ટેકનોલોજી કેવી રીતે અને શા માટે ડેવલપ કરવી જોઇએ? તે દિશામાં પણ આગળ વધવું જોઇએ. સાથે જ લિબરલ આર્ટ્સનો વિષય હોવો જોઇએ. જેથી કરીને વિદ્યાર્થીઓને બધી જ માહિતી મળી રહે.
‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’થી સન્માનિત થયેલા યઝદી કરંજીયાએ જણાવ્યું હતું કે, પાંચ ફૂટના પારસીને તેની આજીવન સિદ્ધી માટે સન્માનિત કરવામાં આવ્યો તે મારા માટે અકલ્પનીય હતું. હું અહીં માત્ર જ્યુરી તરીકે આવ્યો હતો પણ ચેમ્બરે મને જે રીતે બિરદાવ્યો છે તેના માટે મારી પાસે કોઇ શબ્દ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, યઝદી કરંજીયાએ તેમની ૬૦ વર્ષની કારકિર્દીમાં કયારેય નાટકનો ઉપયોગ આજીવિકા મેળવવા માટે કર્યો નથી. નાટક થકી જે કઇ કમર્શિયલ એકટીવિટી કરી તેનો ઉપયોગ માત્ર રકતપિત્તના અને કેન્સરના દર્દીઓની સેવા માટે કર્યો છે. તદુપરાંત શહેરમાં કોમી એખલાસભર્યું વાતાવરણ ઉભું કરવા માટે પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આથી ચેમ્બર દ્વારા તેમને ઉપરોકત એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટના ચેરમેન રજનિકાંત મારફતિયાએ જણાવ્યું હતું કે, એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી ટ્રસ્ટ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા, ઉદ્યોગ સાહસિકતા, ઉત્પાદન ક્ષેત્રે નવિનતા અને નવી ટેકનોલોજીનો ઉપયોગ તથા શૈક્ષણિક શ્રેષ્ઠતાના આધારે વિવિધ પુરસ્કારોનું વિતરણ કરવામાં આવે છે. છેલ્લા ૩૦ વર્ષથી આ સંસ્થા નિયમિતપણે જુદી–જુદી કેટેગરી જેવી કે આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન, પોલ્યુશન કન્ટ્રોલ, R&D, એનર્જી એફિશિયન્સી વિગેરે ક્ષેત્રે એવોર્ડ્સનું વિતરણ કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટ્રસ્ટ દર વર્ષે દક્ષિણ ગુજરાત વિસ્તારમાં વિવિધ ક્ષેત્રે યોગ્યતાના આધારે એવોર્ડ્સનું વિતરણ કરે છે. ટ્રસ્ટના એવોર્ડ સન્માનિત એવોર્ડ તરીકે ગણાતા હોય એ ટ્રસ્ટ માટે ગૌરવની વાત છે. ગોલ્ડન જ્યુબીલી એવોડર્સ યોગ્ય વ્યકિતઓને મળે તે માટે જાણીતા ઉદ્યોગ નિષ્ણાંત, શિક્ષણશાસ્ત્રીઓ અને સામાજિક કાર્યકરોની જ્યુરી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. આ વર્ષે ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦૧૮–૧૯ માટે ૧પ કેટેગરી જેટલા એવોડર્સ આપવામાં આવ્યા હતા, જે નીચે મુજબ છે.
૧. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન વિવિંગ સેકટર’બ્રાઇટ વિવ્જ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
ર. ‘રિલાયન્સ એવોર્ડ ફોર એકસલેન્સ ઇન યાર્ન પ્રોસેસીંગ સેકટર’ગોકુલાનંદ ટેકસ્ચ્યુરાઇઝર્સ પ્રા.લિ. (જીટીએકસ) સુરતને એનાયત કરવામાં આવ્યો હતો.
૩. ‘શ્રી નિમીષ વશી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એન્વાયર્નમેન્ટ કન્ઝર્વેશન એન્ડ પોલ્યુશન કન્ટ્રોલ’સોન્ગવોન સ્પેશ્યાલિટી કેમિકલ્સ – ઇન્ડિયા પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૪. ‘શ્રી રતિલાલ ત્રિભોવનદાસ નાણાવટી એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ વર્ક ઇન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ’પેસિફીક સ્કૂલ ઓફ એન્જીનિયરીંગને એનાયત કરવામાં આવ્યો હતો.
પ. ‘કલરટેકસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ પરફોર્મન્સ ઇન એનર્જી કન્ઝર્વેશન’પિરામલ ગ્લાસ પ્રા.લિ.ને એનાયત કરવામાં આવ્યો હતો.
૬. ‘એવોર્ડ ફોર એકસલેન્સ ઇન ઇમ્પ્રુવીંગ પ્રોડકટીવિટી’લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ હેવી એન્જીનિયરીંગ ડિવીઝનને એનાયત કરવામાં આવ્યો હતો.
૭. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય બિઝનેસ હાઉસ’ન્યુકલીયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એન.પી.સી.આઇ.એલ.)ને એનાયત કરવામાં આવ્યો હતો.
૮. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ અચીવમેન્ટ ઇન સોશિયલ વેલફેર પ્રોગ્રામ બાય એનજીઓ’દીપ – ડેવલપમેન્ટ એફર્ટસ ફોર રૂરલ ઇકોનોમી એન્ડ પિપલને એનાયત કરવામાં આવ્યો હતો.
૯. ‘ફેરડીલ ફિલામેન્ટ્સ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ આન્ત્રપ્રિન્યોર ઇન એમએસએમઇ સેગ્મેન્ટ’અમી ઓર્ગેનિકસ લિમિટેડને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૦. ‘એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ સ્કૂલ’શ્રી આર.ડી. ઘાયલ એન્ડ શ્રીમતી વી.બી.એન. શાહ માધ્યમિક એન્ડ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલયને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૧. ‘મહાવીર સિન્થેસિસ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ઇન્સ્ટીટયુટ/કોલેજ ઓફ એજ્યુકેશન’આર.એન.જી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી – આર.એન.જી.પી.આઇ.ટી.ને એનાયત કરાયો હતો.
૧ર. ‘શ્રીમતી ભવાનીબેન એન. મહેતા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ ચીફ એકઝીકયુટીવ ઓફિસર ફોર ધ ઇયર ર૦૧૮–૧૯’શ્રી એમ.આર. શર્મા – ઓપરેશન્સ ડાયરેકટર, કૃભકોને એનાયત કરવામાં આવ્યો હતો.
૧૩. ‘શ્રી ગિરધરગોપાલ મુંદડા એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડીંગ બિઝનેસ પર્સન ફોર ધ ઇયર ર૦૧૮–૧૯’શ્રી આનંદ દેસાઇ, મેનેજિંગ ડાયરેકટર, અનુપમ રસાયણ ઇન્ડિયા લિ.ને એનાયત કરાયો હતો.
૧૪. ‘લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ ફોર કન્સ્ટ્રીબ્યુશન ટુ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ સોસાયટી ઓફ સાઉથ ગુજરાત એન્ડ નેશન’શ્રી યઝદી કરંજીયાને એનાયત કરવામાં આવ્યો હતો.
૧પ. દેશની સીમાને સુરક્ષિત કરી રાષ્ટ્રને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર હજીરાની એલ એન્ડ ટી ડિફેન્સને સ્પેશિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
એવોર્ડ ફંકશનમાં ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્ મંત્રી તથા એસજીસીસીઆઇ ગોલ્ડન જ્યુબીલી મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. અનિલ સરાવગી અને ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલાએ સમગ્ર સમારોહનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખ કમલેશ યાજ્ઞિક અને ચેતન શાહ તથા માનદ્ મંત્રી નિખિલ મદ્રાસી અને ચેમ્બરની લાયબ્રેરી કમિટીના એડવાઇઝર સુનીલ જૈને પ્રાસંગિક વિધી કરી હતી. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ સમારોહનો ટૂંકમાં સાર રજૂ કરી સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સમારોહનું સમાપન થયું હતું.