સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહેશે
સુરતઃ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.૧૮મીના રોજ સવારે ૯.૩૦ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સુરત મેટ્રો ટ્રેન પ્રોજેકટનું ભૂમિપુજન કરશે. આ વેળાએ સુરત ખાતેના ડાયમંડ બુર્સ ખાતે આયોજીત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર, આરોગ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી, સાંસદ સર્વશ્રીમતિ દર્શનાબેન જરદોશ, સાંસદશ્રી સી.આર.પાટીલ, પ્રભુભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.
ડાયમંડ સીટી સુરત ખાતે મેટ્રો ટ્રેન પ્રોજેકટ કુલ રૂા.૧૨૦૨૦ કરોડના ખર્ચે સાકારિત થશે. જેમાં સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-૧ અંતર્ગત સરથાણાથી ડ્રીમ સીટી ૨૧.૬૧ કિ.મી. વિસ્તારમાં ૨૦ જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે. સરથાણાથી નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન, સ્વામિનારાયણ મંદિરના સ્ટેશનો એલીવેટેડ જયારે કાપોદ્રા થી લાભેશ્વર ચોક, સેન્ટ્રલ વેરહાઉસ, સુરત રેલ્વે સ્ટેશન, મસ્કતી હોસ્પિટલ, ચોકબજાર સુધીના અંડરગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. આગળ જતા કાદરશાની નાળ, મજુરાગેટ(ઈન્ટર કનેકટેડ સેન્ટર), રૂપાલી કેનાલ, અલથાણ ટેનામેન્ટ, વી.આઈ.પી. રોડ, વુમન આઈ.ટી.આઈ., ભીમરાડ, કન્વેન્શન સેન્ટર તથા ડ્રીમ સીટી સુધી એલીવેટેડ સ્ટેશનો બનશે. કાપોદ્રા થી ગાંધીબાગ સુધીના ૬.૪૭ કિ.મી.ના છ જેટલા અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશનો બનશે. જેમાં પ્રથમ ફેઝની ડ્રીમ સીટી ખજોદથી કાદરશાની નાળ સુધી ૧૧.૬ કિ.મી. માટે રૂા.૭૭૯ કરોડનું ટેન્ડર મંજુર થયું છે જયરે કાપોદ્રાથી સુરત રેલ્વે સ્ટેશન સુધી ૩.૫૫ કિ.મી. સુધી રૂા.૧૦૭૩ કરોડના ખર્ચે તથા રેલ્વે સ્ટેશનનાથી ચોકબજાર સુધી ૩.૪૬ કિ.મી. સુધી રૂા.૯૪૧ કરોડના ખર્ચે ટેન્ડરો મંજુર કરવામાં આવ્યા છે.
મેટ્રો ટ્રેનના બીજા ફેઝમાં ભેસાણથી સારોલી સુધીના ૧૮.૭૪ કિ.મી.ના વિસ્તારમાં ૧૮ સ્ટેશનોનું નિર્માણ થશે. જેમાં ભેસાણ, બોટનિકલ ગાર્ડન, ઉગત વારીગૃહ, પાલનપુર રોડ, એલ.પી.સવાણી રોડ, પરફોર્મિંગ આર્ટ સેન્ટર, અડાજણ ગામ, એકવેરીયમ, બંદરીનારાયણ મંદિર, અઠવા ચોપાટી, મજુરાગેટ, ઉધના દરવાજા, કમેલા દરવાજા, આંજણા ફાર્મ, મોડલ ટાઉન, મગોબ, ભરત કેન્સર હોસ્પિટલથી સારોલી સુધી મેટ્રો ટ્રેનનું નિર્માણ થશે. મેટ્રો ટ્રેનનું નિર્માણ થવાથી લોકોને યાતાયાતની સગવડામાં વધારાની સાથે નિયત સમયમર્યાદામાં ગતવ્ય સ્થાનો પર પહોચી શકશે.