૭૫ વર્ષની ઉમરે મતદાન કરવા સાયકલ પર આવેલા નિવૃત્ત શિક્ષક નટવરલાલ પંડ્યા લોકશાહીના મહાપર્વમાં ભાગીદાર બન્યા

લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે: નટવરલાલ પંડ્યા

સુરત: સુરતના અડાજણ સ્થિત એલ.પી.સવાણી શાળાના બુથ પર મતદાન માટે સાયકલ પર આવેલા ૭૫ વર્ષની વયના નિવૃત્ત પ્રાથમિક શિક્ષક નટવરલાલ પંડ્યા મતદાન થકી લોકશાહી પર્વની ઉજવણી કરી અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા હતા. મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના હરસુરપુર દેવળિયા ગામના વતની શ્રી નટવરલાલ હાલ અડાજણની રામદૂત સોસાયટીમાં પરિવાર સાથે રહી નિવૃત્ત જીવન જીવી રહ્યાં છે. તેઓ અમરેલી જિલ્લા પંચાયતની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

તેમણે જણાવ્યું કે, આજ સુધીની તમામ વિધાનસભા-લોકસભા-પંચાયત સહિતની તમામ ચૂંટણીઓમાં અવશ્ય મતદાન કર્યું છે. લોકશાહીમાં મતદાન કરવું એ જાગૃત્ત નાગરિક તરીકે આપણી ફરજ છે. મને ચૂંટણી પ્રક્રિયાને નજીકથી જોવાની અને ચૂંટણીની કામગીરીમાં સહભાગી થવાની તક અનેકવાર મળી છે. તેથી જ મતદાનનું મહત્વ હું સમજુ છું, અને શક્ય તેટલા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કરું છું. હું હાલ દરરોજ નાના બાળકોને બિસ્કીટનું દાન આપીને સુખદ જીવન જીવી રહ્યો છું. મારા પેન્શનનો ઘણો ભાગ બિસ્કીટ ખરીદીમાં ઉપયોગ કરૂ છું, અને દરરોજ બાળકોને વિતરણ કરૂ છું. હું ક્યાંય પણ જવું હોય તો સાયકલનો જ ઉપયોગ કરૂ છું. જેનાથી સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે છે.

Exit mobile version