ચેમ્બરની લેડીઝ વીંગ દ્વારા ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિશે સેમિનાર યોજાયો

ખાણીપીણીની કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું છે : ડાયટિશન અમાનત કાગઝી

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ દ્વારા ગુરૂવાર, તા. ૧૬ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે ૪:૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘ડાયટ ટુ ફાઇટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયટિશન અમાનત કાગઝી દ્વારા મહિલા ઉદ્યોગ સાહસિકોને રોજિંદા જીવનશૈલીને તેમજ આરોગ્યને યોગ્ય રીતે જાળવી રાખવા માટે કયા પ્રકારનો આહાર લેવો જોઇએ ? તે દિશામાં મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ડાયટિશન અમાનત કાગઝીએ જણાવ્યું હતું કે, હાલના વ્યસ્ત જીવનમાં ખાણીપીણીની જુદી–જુદી કુટેવોને કારણે લોકોનું આરોગ્ય જોખમાય છે અને તેને કારણે જે વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે તે બધી સમસ્યાનું નિરાકરણ રસોડું જ છે. લોકો બહારનું ખાવાનું ટાળે અને માત્ર ઘરના રસોડામાં બનેલી આરોગ્યપ્રદ ચીજવસ્તુઓ આરોગે તો મોટાભાગના લોકોને આરોગ્યની વિવિધ સમસ્યાઓમાંથી છુટકારો મળી જાય તેમ છે. બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓના સેવનથી બ્લડપ્રેશર, ડાયાબિટીસ, પેટની બિમારી, કેન્સર અને હૃદયની બિમારીઓનો સામનો કરવો પડે છે. આથી કિચનમાં પણ સંતુલિત આહાર બનાવવામાં ગૃહિણીઓએ કઇ – કઇ કાળજી રાખવી જોઇએ તેના વિશે તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

તેમણે ફૂડ પ્લાનિંગ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે દિવસ દરમ્યાન વ્યકિતની ભોજન પચાવવાની પાચનશકિત વધારે સક્રીય હોય છે, જે સાંજ બાદ ઘટતી જાય છે. આથી સવારે આઠ કલાકે પેટ ભરીને નાસ્તો લેવો જોઇએ. ત્યારબાદ સવારે સાડા દસ કલાકે ખાવાની ઇચ્છા થાય તો આરોગ્યપ્રદ વસ્તુઓ ખાઇ શકાય છે અને બપોરે એક કલાક સુધીમાં બપોરનું ભોજન લઇ લેવું જોઇએ. ત્યારબાદ સાંજે ચાર કલાકે નાસ્તો લઇ શકાય અને રાત્રે આઠ કલાકે હલકું ભોજન લેવું જોઇએ. રેડીમેડ ફૂડ પેકેટ્‌સ ખરીદતી વખતે પણ શું કાળજી રાખવી જોઇએ ? તેની વિસ્તૃત ચર્ચા તેમણે કરી હતી.

ઉપરોકત સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું. ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન રમા નાવડીયાએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ડો. અમિ યાજ્ઞિકે સેમિનારનું સંચાલન કર્યુ હતું. જ્યારે વિમેન આંત્રપ્રિન્યોર સેલના એડવાઇઝર સ્વાતી શેઠવાલાએ વકતાનો પરિચય આપ્યો હતો. અંતે લેડીઝ વીંગના કો–ચેરપર્સન જ્યોત્સના ગુજરાતીએ સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન કર્યુ હતું.

Exit mobile version