SGCCI અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરતના સંયુકત ઉપક્રમે ‘સમાજ સેવા અને સરકાર’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન

 

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરતના સંયુકત ઉપક્રમે શનિવાર, તા. ર૭ ફેબ્રુઆરી, ર૦ર૧ના રોજ પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘સમાજ સેવા અને સરકાર’વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત સરકારના ચેરિટી કમિશનર વાય.એમ. શુકલએ ચેરીટીમાં લોકઅદાલત કરવી કે કેમ? એનઆરઆઇ ટ્રસ્ટી થઇ શકે કે કેમ?, ટ્રસ્ટોને બંધ કરી શકાય કે કેમ? તથા ટ્રસ્ટના બંધારણમાં કયા સંજોગોમાં ફેરફાર કરી શકાય? વિગેરે બાબતો વિશે વિવિધ સંસ્થાઓના ટ્રસ્ટીઓને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાતના ચેરીટી કમિશનર વાય.એમ. શુકલએ જણાવ્યું હતું કે, સરકારની પ્રાથમિક જવાબદારી સમાજ સેવા છે અને એમાં ટ્રસ્ટની ભૂમિકા વિશે તેમણે સમજણ આપી હતી. તેમણે કહયું કે, ટ્રસ્ટનો ઉદેશ્ય એકમાત્ર સમાજની સેવા કરવાનો હોય છે. સરકારની પ્રજાજોગ સેવા માટેની યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચવી જોઇએ. ગુજરાતમાં ૩ લાખ પર હજાર ટ્રસ્ટો નોંધાયેલા છે. જેમાંથી ૧ લાખ ટ્રસ્ટો દ્વારા સારામાં સારી કામગીરી થઇ રહી છે. જ્યારે ૧ લાખ ટ્રસ્ટો આઇડલ અને નોન ફંકશનલ છે એટલે કે હેતુ પ્રમાણે તેઓની કામગીરી નથી. તમામ ટ્રસ્ટીઓના નિર્ણયો સર્વાનુમતે થાય ત્યારે જ સમાજની સેવા કરવાનો ઉદેશ્ય સાર્થક થાય છે.

ચેરીટી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે એકમાત્ર અમદાવાદમાં ૧રથી ૧૩ હજાર ચેઇન્જ રિપોર્ટ પેન્ડીંગ હતા. ત્યારબાદ આખા ગુજરાતમાં આઠથી દસ વખત ચેઇન્જ રિપોર્ટ નિકાલ ઝૂંબેશ ચલાવવામાં આવી હતી. જેમાં ગુજરાતભરમાં ૧૮ હજાર ચેઇન્જ રિપોર્ટ પૂરા કરવામાં આવ્યા હતા. સુરત અને વડોદરામાં ઘણા કેસોનો ઘટાડો થઇ ગયો છે. તેમણે કહયું કે, ટ્રસ્ટની નોંધણી કરતી વખતે ઘણી સાવચેતી રાખવાની હોય છે. કારણ કે પ્રોપર્ટીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. એના માટે ઇન્સ્પેકશન કરવાનું હોય છે ત્યારે એવા સંજોગોમાં ટ્રસ્ટની નોંધણી માટે થોડો સમય લાગે છે પણ હવે પહેલા જેવું રહયું નથી, ટ્રસ્ટની નોંધણી વહેલા થઇ જાય છે.

ટ્રસ્ટના બંધારણમાં થતા ફેરફાર વિશે તેમણે ટ્રસ્ટીઓને સમજણ આપતા કહયું કે, ટ્રસ્ટના બંધારણમાં સુધારો કરવા માટે ચેઇન્જ રિપોર્ટ જરૂરી છે. ટ્રસ્ટના જે ઉપદેશોમાં ફેરફાર કરવાના હોય તેના માટે ચેઇન્જ રિપોર્ટની આવશ્યકતા હોય છે. ટ્રસ્ટનો વ્યવહાર જ્યારે ખોરંભે પડી ગયો હોય ત્યારે સ્કીમ કરવાની હોય છે. તેમણે કહયું કે, ચેરીટેબલ સોસાયટી બંધ કરી શકાય છે પણ ટ્રસ્ટ બંધ નહીં કરી શકાય. કોઇપણ ટ્રસ્ટમાં એનઆરઆઇ વ્યકિતને ટ્રસ્ટી પણ બનાવી નહીં શકાય. જમીનના ૭/૧રના ઉતારામાં પણ માત્ર ટ્રસ્ટનું જ નામ હોવું જોઇએ, એમાં ટ્રસ્ટીઓના નામ હોવા જોઇએ નહીં. તેમણે ટ્રસ્ટીઓને દેવસ્થાન ઇનામી નાબૂદી ધારા વિશે પણ માહિતી આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ ૧ર૯૦૦ કેસ પેન્ડીંગ છે. ટ્રસ્ટોના લીટીગેશન નહીં થાય તેના માટે પ્રયાસ કરવામાં આવી રહયો છે. ૪ કરોડ ડોકયુમેન્ટ્‌સના ડિજીટલાઇઝેશનની કામગીરી પૂર્ણ થઇ ગઇ છે અને અન્ય કામગીરી રનીંગમાં છે. ચેરીટી કચેરીના અધિકારીઓ અને સ્ટાફ કર્મચારીઓની અછતને પણ દૂર કરવાના પ્રયાસો થઇ રહયા છે. ટ્રસ્ટીઓને કોઇ અગવડતા ન પડે તે માટે કચેરીઓમાં ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારો કરવામાં આવી રહયો છે. મહેસાણા અને ભાવનગરમાં પણ જોઇન્ટ ડાયરેકટરની ઓફિસ શરૂ થવા જઇ રહી છે. જ્યારે ભરૂચ અને ગોધરા ખાતે ચેરીટી ભવન બનવા જઇ રહયું છે.

કોવિડ– ૧૯ની પરિસ્થિતિ દરમ્યાન લોકોની સેવા કરનારી વિવિધ સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીઓનું ગુજરાતના ચેરીટી કમિશનર વાય.એમ. શુકલના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થનાર સંસ્થાઓમાં માનવ સેવા સંઘ ‘છાંયડો’ સેવા રૂરલ (ઝઘડીયા), લોક સમર્પણ રકતદાન કેન્દ્ર (સુરત), રોટરી આઈ ઈન્સ્ટીટયુટ (નવસારી), દિવ્યજયોતિ ટ્રસ્ટ (માંડવી), માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સુરત), એકતા ટ્રસ્ટ (સુરત), હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ (કિલ્લા પારડી), પ્રયોશા પ્રતિષ્ઠાન (ડાંગ), એસ.ડી.એ.–ડાયમંડ હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર (સુરત), રામકૃષ્ણ વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ (અંકલેશ્વર), લાયન્સ કેન્સર ડિટેકશન સેન્ટર ટ્રસ્ટ, સુરત સંચાલિત શ્રી દેવરાજભાઈ બાવાભાઈ તેજાણી કેન્સર ઈન્સ્ટીટયુટ અને સુરત રકતદાન કેન્દ્ર એન્ડ રિસર્ચ સેન્ટર, સુરતનો સમાવેશ થાય છે.

આ સેમિનારમાં ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની પ્રવૃત્તિઓની ટૂંકમાં માહિતી આપી હતી. સેમિનારનું સમગ્ર સંચાલન ચેમ્બરના ભૂતપૂર્વ માનદ્‌ મંત્રી તેમજ એનજીઓ/સીએસઆર કમિટીના કો–ચેરમેન ધીરેન થરનારીએ કર્યું હતું. એનજીઓ/સીએસઆર કમિટીના એડવાઇઝર કાનજી ભાલાળા તથા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, સુરતના પ્રમુખ સવજી હુન તેમજ દીપક રાજ્યગુરુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.

Exit mobile version