SGCCI દ્વારા ‘કેનેડામાં નિર્યાતની તકો’ વિષય ઉપર સેમિનારનું આયોજન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘કેનેડામાં નિર્યાતની તકો’વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રવાસી ભારતીય સમ્માન એવોર્ડ ર૦૧૭થી સન્માનિત સફળ ઇન્ડો કેનેડીયન ઉદ્યોગ સાહસિક મુકુંદ પુરોહિતે કેનેડામાં જે ચીજવસ્તુઓની નિર્યાત કરવા માટે તકો રહેલી છે તે વિશે માહિતી આપી હતી.

મુકુંદ પુરોહિતે જણાવ્યું હતું કે, કેનેડામાં ગુજરાતી બિઝનેસ એસોસીએશનની સ્થાપના થઇ હતી અને તેનો મુખ્ય હેતુ કેનેડામાં વસનાર ગુજરાતીઓને સૌપ્રથમ બિઝનેસ આપવાનો છે. ભારતીય ફૂડની આઇટમ કેનેડામાં ઉપલબ્ધ થતી નથી. પહેલા એવું હતું કે માત્ર ભારતીયો જ ભારતીય ફૂડ પસંદ કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એવી બની છે કે ભારતીયો ઉપરાંત મેઇન સ્ટ્રીમના લોકો પણ ભારતીય ફૂડને પસંદ કરે છે. આથી ભારતીય ફૂડ તેમાં પણ ખાસ કરીને રેડી ટુ ઇટવાળી આઇટમની કેનેડામાં ભારે ડિમાન્ડ છે. પ્રોપર પેકેજિંગ કરીને રેડી ટુ ઇટ ફૂડ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક રહેલી છે. વલસાડની કેરીની ખૂબ જ મોટી ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં જેટલી ડિમાન્ડ રહે છે તેટલો સપ્લાય ભારતમાંથી થતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રેડીમેડ ગારમેન્ટ કેનેડામાં આવે છે પણ ભારતથી આવતું નથી ત્યારે દુઃખ થાય છે. આથી ભારત માટે રેડીમેડ ગારમેન્ટ કેનેડામાં નિર્યાત કરવા માટે વિશાળ તક છે. નોર્થ અમેરિકાનું આખું માર્કેટ રેડીમેડ ગારમેન્ટ માટે ઉપલબ્ધ છે. આઇટી કંપનીઓ સાથે જોડાયેલા પ્રોફેશનલ્સ માટે પણ કેનેડામાં ઘણી તકો રહેલી છે. કેનેડાના કેટલાક રાજ્યો દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકોને કેનેડામાં લાવવા માટે ઇમીગ્રેશન પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આઇટીમાં જે લોકોને ત્રણ વર્ષથી વધારાનો અનુભવ થયો છે તેઓ કેનેડામાં ઓફિસ પણ ખોલી શકે છે.

મુકુંદ પુરોહિતે વધુમાં કહયું હતું કે, ફેશનમાં લેધરની વસ્તુઓ તેમજ નેચરલ અને ઓર્ગેનીક ચીજવસ્તુઓની પણ ખૂબ ડિમાન્ડ કેનેડામાં રહે છે. કેનેડામાં પ્રિન્ટીંગ એન્ડ પેકેજિંગ, કલીનટેક વોટર, સ્માર્ટ સિટી અને સોલાર સંબંધિત ટેકનોલોજી માટે પણ ઘણી તકો છે. કોઇપણ પ્રોડકટની નિર્યાત કરવા માટે અમદાવાદમાં આવેલી કેનેડાની ટ્રેડ ઓફિસ તેમજ કેનેડાના કોન્સુલ જનરલની મદદ લઇ શકાય છે. આ ઉપરાંત ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ વિગેરે સંસ્થાની બીટુબી બિઝનેસ માટે કનેકટીવિટી મેળવી શકાય છે.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ ચેમ્બરની પ્રવૃત્તિઓની ટૂંકમાં માહિતી આપી હતી. ચેમ્બરની એનઆરજી કમિટીના કો–ચેરમેન કલ્પેશ લાઠીયાએ વકતાનો પરિચય આપ્યો હતો અને સભ્ય ભાવેશ ગઢીયાએ સેમિનારનું સંચાલન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન કમલેશ ગજેરાએ પ્રાસંગિક પ્રવચન કરી અંતમાં સર્વેનો આભાર માન્યો હતો અને ત્યારબાદ સેમિનારનું સમાપન થયું હતું.

Exit mobile version