SGCCI દ્વારા, સુરત ખાતે ‘રીક્રુટમેન્ટ, સ્ક્રીનિંગ અને સિલેકશન’ વિષય ઉપર સેમિનારનું આયોજન

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવારે, તા. ર૭ ડિસેમ્બર, ર૦ર૦ના રોજ સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે ‘રીક્રુટમેન્ટ, સ્ક્રીનિંગ અને સિલેકશન’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધી પાથફાઇન્ડરના સંચાલક સંજય ગજીવાલા અને જીની કન્સલ્ટન્સીના ફાઉન્ડર એન્ડ સીઇઓ તેમજ બિઝનેસ કોચ પરિમલ શાહ દ્વારા રીક્રુટમેન્ટ અને સિલેકશનના આવશ્યક માપદંડ, પસંદગીનું માપદંડ, કેવી રીતે અવલોકન કરવું? અને નિર્ણય લેવો? ઉમેદવારમાં કઇ કુશળતા ઓળખવી જોઇએ? અને કર્મચારીઓને કંપનીમાં કઇ રીતે લાંબા ગાળા સુધી ટકાવી રાખી શકાય છે? તે અંગે મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સંજય ગજીવાલાએ રીક્રુટમેન્ટ સાયકલ વિશે માહિતી આપી હતી. તેમણે કર્મચારીઓને કંપનીમાં લાંબા ગાળા સુધી ટકાવી રાખવા અંગે જણાવ્યું હતું કે, છ મહિના માટેના કોન્ટ્રાકટ પર પણ કોઇ કર્મચારીને રાખ્યો હોય તો તેને ટકાવી રાખવા માટે ઓફિસનું વાતાવરણ સારુ બનાવવું જોઇએ. તેને ઇન્સ્યુરન્સ વિગેરે અન્ય સારી સગવડ આપવી જોઇએ. એક સમયે બીજી કંપનીમાં તેને પગાર વધારે મળી શકે પણ આ બધી સુવિધા ત્યાં મળશે નહીં એટલા માટે એ કર્મચારી કંપનીમાં ટકી રહેવા માટેનું વિચારી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કર્મચારીને શંકાની નજરે જોવું ન જોઇએ. કેટલીક કંપનીઓમાં મોટા ભાગે એવું જોવા મળતું હોય છે કે કર્મચારી કંપનીમાં રસ લઇને સારું પર્ફોમન્સ આપતો હોય છે પણ જો એને કંપનીના માલિક તરફથી ફ્રી હેન્ડ આપવામાં આવે તો તે ડબલ પર્ફોમન્સ કરી શકે છે. આને કારણે કંપનીનો માલિક તેની કંપનીનો વ્યાપ વધારવાની દિશામાં પ્રયાસ કરી શકે છે.

પરિમલ શાહે કર્મચારીના સિલેકશન અને રિટેન્શન બાબતે સમજણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપનીમાં પ્રોફાઇલ પ્રમાણે યોગ્ય કર્મચારીની પસંદગી કરવી જોઇએ. એક વખત કર્મચારીને સિલેકટ કર્યા બાદ તેને તેની આવડત બહારનું કામ સોંપવામાં આવે તો તે યોગ્ય નહીં કહેવાય. ખાસ કરીને યુવા કર્મચારીઓ જલ્દી જમ્પ મારે છે. જો કંપનીના માલિક પાસે કર્મચારી માટે દસ વર્ષનું વિઝન હોય તો એ કર્મચારી તેના ભવિષ્યને ધ્યાને લઇ લાંબા ગાળા સુધી કંપનીમાં ટકી શકે છે. વધુમાં તેમણે રાઇટ કેન્ડીડેટનું સિલેકશન કરતી વખતે ધ્યાને લેવાતા ત્રણ પેરામીટર જેવા કે સિલેકશન ક્રાઇટેરીયા, રાઇટ કેન્ડીડેટ આઇડેન્ટીફાય અને રિટેન્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આ સેમિનારમાં ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની એચઆર એન્ડ ટ્રેનીંગ કમિટીના એડવાઇઝર મૃણાલ શુકલએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને સેમિનારનું સંચાલન કો–ચેરમેન ચિરાગ દેસાઇએ કર્યું હતું.

Exit mobile version