SGCCI દ્વારા ‘રેવન્યુ કલીનીક’ વિષય ઉપર સેશનનું આયોજન

સુરત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ‘રેવન્યુ કલીનીક’ વિષય ઉપર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારમાં ૪૦ વર્ષ સુધી કલેકટર તેમજ કમિશનર તરીકે જુદા–જુદા જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂકેલા તેમજ નિવૃત્તિ બાદ પાંચ વર્ષ સુધી ગુજરાત સરકારના સ્પેશિયલ સેક્રેટરી રેવન્યુ વિભાગમાં અધિક સચિવ તરીકે મહત્વની જવાબદારી સંભાળનારા રિટાયર્ડ આઇએએસ જે.બી. વોરાએ જમીન અને મિલકત સંદર્ભે લોકો છેતરાય નહીં તે હેતુથી મહેસૂલી કાયદાકીય સલાહ અને મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

જે.બી. વોરાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને દેશના તમામ ક્ષેત્રે વિકાસથી જમીનની કિંમતોમાં વધારો થયો છે. ભૌતિક સુખ સંપત્તિ વધવાની સાથે માનવમૂલ્યો ઘટયા છે અને કુટુંબકલેશ વધ્યો છે. સ્વાર્થી જમીનદલાલો, વચેટિયા, કુલમુખત્યારો, બાહુબલી, ભૂ–માફિયાઓ વિગેરેને કારણે વિવાદો વકર્યા અને વધ્યા છે. જમીન અને મકાન લે–વેચ સાથે સરકારના ર૦ જેટલા કાયદાઓ જોડાયેલા છે. આથી સ્થાવર મિલકતમાં ખાસ કરીને જમીન અને મકાન ખરીદતા પહેલા ટાઇટલની ચકાસણી ચોકકસપણે કરવી જોઇએ. જેથી કરીને જમીન મિલકતની ખરીદી બાદ લોકો છેતરાય નહીં, તેઓને કોર્ટ કચેરીના ધકકા ખાવા નહીં પડે તેમજ મહેસૂલ અને સિવિલ કોર્ટના કેસોમાં ઘટાડો આવી શકે. સમાજમાં સંવાદિતા બનાવી રાખવા માટે આ બાબતો જરૂરી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પારદર્શિતા, સંવેદનશિલતા, નિર્ણાયકતા અને પ્રગતિશિલતાથી કામગીરી કરે છે. લોકાભિમુખ અભિગમથી સરકાર છેલ્લા વર્ષોમાં મહેસૂલી કાયદામાં સુધારાઓ કરીને જમીન મિલકત વ્યવહારમાં સરળતા અને પારદર્શિતા લાવી છે. જટીલ કાર્ય પદ્ધતિઓનું ઓનલાઇન પ્રક્રિયા મારફત સરળીકરણ, યોગ્ય ભૂમિ વ્યવસ્થાપન દ્વારા સંસાધનોનું જતન અને સંવર્ધન કરવામાં આવ્યું છે. જમીન મિલકતના મહેસૂલી રેકર્ડ અને સેવા ઓનલાઇન કરવામાં આવી છે.

જે.બી. વોરાએ વધુમાં કહયું હતું કે, લોકો પહેલા સમજ્યા વિચાર્યા વગર જમીન મિલકત ખરીદી કરી લે છે પણ બાદમાં તેઓને પસ્તાવાનો વારો આવે છે. વર્ષો વિતિ જાય છે પણ જમીન મિલકત તેમના નામે થતી નથી અને કોર્ટ કચેરીના ધકકા ખાઇને તેઓનું જીવન પૂરુ થઇ જાય છે. આથી જમીન મિલકતની ખરીદી કરતા પહેલા જમીન મહેસૂલ કાયદો, ગણોતધારો અને શહેરી વિસ્તારમાં ટીપી–ડીપી વિગેરેની ચકાસણી કરવી જરૂરી છે.

ચેમ્બર દ્વારા મહિનામાં બે દિવસ રેવન્યુ કિલનીક યોજાશે. હવે આગામી ર૪ માર્ચ, ર૦ર૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે જે.બી. વોરા દ્વારા જમીન મિલકત સંદર્ભે ઉદ્યોગકારો તેમજ લોકોને માર્ગદર્શન અપાશે.

Exit mobile version