સુરતઃ બીજા તબક્કાના વેકસીનેશનનો પ્રારંભ

ફ્રન્ટલાઈન વોરિયર્સ એવા જિલ્લા કલેકટર, પોલીસ કમિશ્નર, મ્યુ.કમિશન, સહિતના ઉચ્ચ અધિકારીઓએ વેકસીન લઈ બીજા તબક્કાનો શુભારંભ કરાવ્યોઃ

બીજા ચરણમાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારના વિભાગના સ્ટાફ સહિત ૩૦,૦૦૦ અધિકારી-કર્મચારીઓને વેકસીન આપવાનો પ્રારંભ

પોલીસ કમિશનર અજય તોમરે પ્રથમ વેકસીન લીધીઃ

સુરતઃ ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ ડોકટર, નર્સીગ-મેડીકલ સ્ટાફને પ્રથમ તબક્કામાં રસીકરણ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં આજરોજ કોરોના વોરિયર્સ એવા જિલ્લા કલેકટર ડો.ધવલ પટેલ, પોલીસ કમિશનરશ્રી અજય તોમર, મ્યુ.કમિશનરશ્રી બંછાનિધિ પાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, જિલ્લા પોલીસ અધિક્ષક ઉષા રાડા તથા અન્ય પોલીસ, પાલિકા, પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ કોરોના પ્રતિકારક વેકસીન લઈને બીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો હતો.

આ વેળાએ જિલ્લા કલેકટરશ્રી જણાવ્યું હતું કે, બીજા તબક્કામાં જિલ્લામાં દસ વેકસીનેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે જેમાં પંચાયત, રેવન્યુ સહિતના વિભાગોના કર્મયોગીઓને વેકસીન આપવામાં આવશે. જિલ્લાના સૌ નાગરિકોને નિયત કરવામાં આવેલા સ્થળે અને સમયે સૂચિત કરવામાં આવે ત્યારે કોરોના વેકસીન લેવાની અપીલ તેમણે કરી હતી.

પોલીસ કમિશનરશ્રીએ જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતએ કોરોના પ્રતિકારક રસીના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આપણી વેકસીન સંપૂર્ણ સ્વદેશી અને સુરક્ષિત છે. કોરોના સામે લડવાનું હથિયાર આપણી પાસે ઉપલબ્ધ છે જેથી સૌ કોઈને વેકસીન લેવાની હિમાયત તેમણે કરી હતી.

આ વેળાએ મ્યુ. કમિશનરશ્રીએ જણાવ્યું કે, સુરત શહેરમાં પ્રથમ ચરણમાં ૨૦૨૧૭ જેટલા હેલ્થ વર્કરોનું સફળ વેકસીનેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યકિતને આડઅસર જોવા મળી નથી. જયારે બીજા ચરણમાં પાલિકા, પોલીસ તથા અન્ય સરકારના વિભાગના સ્ટાફ સહિત ૩૦,૦૦૦ અધિકારી-કર્મચારીઓને વેકસીન આપવાનો પ્રારંભ થયો છે. કોઈ પણ પ્રકારની ગેરસમજ વિના દરેક નાગરિકો નિયત સમયે વેકસીન લઈને પોતાના પરિવાર સહિત શહેર, રાજય અને રાષ્ટ્રને કોરોથી સુરક્ષિત કરવાનો અનુરોધ તેમણે કર્યો હતો. શહેરમાં ૮૦થી વધુ કેન્દ્રો પર વેકસીનેશન કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ, પાલિકા, અન્ય સરકારી વિભાગોના અધિકારી-કર્મચારીઓને વેકસીન આપવામાં આવનાર હોવાની વિગતો તેમણે આપી હતી.

Exit mobile version