ચેમ્બર દ્વારા જીએસટી એન્ડ કસ્ટમ વિશે પોસ્ટ બજેટ એનાલિસિસ ઉપર વેબિનાર યોજાયો

GSTR 2 A અને GSTR 2-Bમાં જેટલી ક્રેડીટ દેખાશે એટલી જ ક્રેડીટ લેવાના કરદાતાઓ હકદાર થશે : નિષ્ણાંત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ૧ર ફેબ્રુઆરી, ર૦રર ના રોજ સાંજે ૪:૩૦ કલાકે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ ઓન જીએસટી એન્ડ કસ્ટમ’ વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકતા તરીકે લક્ષ્મીકુમારન એન્ડ શ્રીધરનના પાર્ટનર જિગર શાહ અને જોઇન્ટ પાર્ટનર મનિષ જૈન દ્વારા બજેટમાં કરવામાં આવેલી જોગવાઇઓ મુજબ જીએસટી અને કસ્ટમના કાયદામાં થનારા ફેરફારો વિશે એનાલિસિસ રજૂ કરવામાં આવ્યું હતું.

વકતા જિગર શાહે જણાવ્યું હતું કે, GSTR 2-A માં જેટલા ઇન્વોઇસ દેખાશે એટલા ઇન્વોઇસની જ ક્રેડીટ લઇ શકાશે. આ પ્રોવિઝનને સરકાર દ્વારા હવે કાયદામાં કન્વર્ટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત GSTR 2 B માં પણ જેટલી ક્રેડીટ દેખાશે એટલી જ ક્રેડીટ લેવાના કરદાતાઓ હકદાર થશે. જીએસટીની ક્રેડીટ લેવા માટે છે  કન્ડીશન આવી રહી છે. વિવિધ દાખલા આપીને તેમણે આ દરેક કન્ડીશનની સમજણ આપી હતી. જીએસટીના કાયદામાં જે પ્રપોઝડ બદલાવ છે તેની પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

વકતા મનિષ જૈને કસ્ટમના કાયદામાં આવેલા ફેરફાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ખાસ કરીને પ્રોપર ઓફિસરનો જે બદલાવ છે તેના વિશે તેમણે જણાવ્યું હતું કે, આ બદલાવને કારણે સુપ્રિમ કોર્ટ દ્વારા કેનોન ઇન્ડિયા અંગે જે જજમેન્ટ આપવામાં આવ્યું છે તેને કારણે જજમેન્ટની અસર નહીંવત થઇ જશે. જેના કારણે ડીઆરઆઇ દ્વારા જે શોકોઝ નોટિસ ઇશ્યુ કરાઇ છે તેને માન્ય ગણવામાં આવશે. તેમણે કસ્ટમના વેલ્યુએશન રૂલ્સમાં જે બદલાવો આવ્યા છે તેના વિશે તથા ઘણા બધા એકઝમ્પ્શન નોટિફિકેશન આગામી સમયમાં એક બાદ એક રદ થવાના છે તેના સંદર્ભે વિસ્તૃત માહિતી આપી હતી. ટેકસટાઇલ ઉદ્યોગકારો માટે મુવર્સ સ્કીમ ઘણી લાભદાયક છે તેમ તેમણે જણાવ્યું હતું.

ચેમ્બરની જીએસટી કમિટીના ચેરમેન મુકુંદ ચૌહાણે ઉપરોકત વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. જીએસટી કમિટીના સભ્ય તેમજ એવીએશન્સ/એરપોર્ટ કમિટીના કો-ચેરમેન રોહન દેસાઇએ વકતાઓનો પરિચય આપ્યો હતો. અંતે મુકુંદ ચૌહાણે સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version