આરોગ્ય વિભાગ દ્વારા મતદાન મથકોમાં પણ મતદારોના આરોગ્યની વિશેષ કાળજી રખાશે

 

નિયત કરતાં વધુ શારીરિક તાપમાન આવે તો મતદારનો કોવિડ ટેસ્ટ કરાશે

સુરત: સુરત મહાનગરપાલિકાની આજે તા.૨૧મી ફેબ્રુ.એ યોજાનારી સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિમય માહોલમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર ચૂંટણી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મતદારો શાંતિપૂર્વક મતાધિકારનો ઉપયોગ કરી શકે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરેક મતદાન મથકોએ તૈનાત આરોગ્ય ટીમ દ્વારા મતદાનના દિવસે શરીરનું તાપમાન સામાન્ય કરતાં વધુ હોય તેવા મતદાર માટે ખાસ કાળજી લેવામાં આવી છે. જો તાપમાન ૩૮ અંશ સેલ્સિઅશ/ ૧૦૦.૪૦ ફેરનહીટ કે તેથી વધુ આવે તો આવા મતદારને અન્ય વ્યક્તિઓથી અલગ છાંયડામાં ૧૫ મિનિટ બેસાડવામાં આવશે. ૧૫ મિનિટ બાદ તે વ્યક્તિના તાપમાનની ચકાસણી કરાશે. જો તાપમાન સામાન્ય આવે તો તે મતદાન કરી શકશે. પણ જો તેનું તાપમાન ૩૮ અંશ સેલ્સિઅશ/ ૧૦૦.૪૦ ફેરનહીટ કે તેથી વધુ આવે તેમજ તેને કોવિડ-૧૯ ના અન્ય લક્ષણો જેવા કે ખાંસી, કળતર, માથાનો દુ:ખાવો, ઝાડા, ઊલ્ટી, સ્વાદ અને ગંધ જતી રહેવી જેવા કોઈ લક્ષણો જણાય તો મતદાન મથકના અધિકારી સંબંધિત આરોગ્ય નોડલ અધિકારીનો સંપર્ક કરી નજીકનાં કોવિડ-૧૯ ટેસ્ટીંગ સેન્ટર ખાતે ટેસ્ટ માટે મોકલી આપશે. આ મતદારને મતદાન મથકના અધિકારી દ્વારા મતદાનના છેલ્લા કલાક દરમિયાન મતદાન કરવા માટેનું ટોકન/પ્રમાણપત્ર આપવામાં આવશે. તેના કોવિડ-૧૯ ટેસ્ટના રિપોર્ટ અંગે મતદાન મથકના પ્રમુખ અધિકારીને લેખિતમાં જાણ કરવામાં આવશે. જ્યારે આ મતદાર મતદાન કરવા આવે ત્યારે માસ્ક, ફેસશિલ્ડ અને પ્લાસ્ટીક ગ્લોવ્ઝ પહેરીને જ મતદાન કરી શકશે. કોવિડ-૧૯ ટેસ્ટ પોઝીટીવ આવે તો મતદારે નિયત આરોગ્ય માર્ગદર્શિકા મુજબ સુચનાઓ અનુસરવાની રહેશે.

દરેક મતદાન મથકના મુખ્ય પ્રવેશ દ્વાર પર આરોગ્ય કર્મચારી, પેરામેડિકલ સ્ટાફ અને આશા બહેનો દ્વારા થર્મલગન દ્વારા મતદારોનું થર્મલ ચેકિંગ કરાશે. મતદારના હાથ સેનિટાઇઝ કરીને જ પ્રવેશ અપાશે. પોલીસ કર્મચારી/હોમગાર્ડ/સિવિલ ડિફેન્સ/એન.સી.સી.ના અધિકારીઓ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. જેઓ કતારમાં રહેલા મતદારોમાં સામાજિક અંતરનું પાલન કરાવવામાં સહાયરૂપ બનશે. મતદાન મથકે શક્ય હોય ત્યાં સુધી પુરૂષ, સ્ત્રી અને વરિષ્ઠ નાગરિકોની અલગ અલગ ત્રણ હરોળ કરાશે. દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને મતદાનમાં અગ્રતા અપાશે.

મતદાતાને મતદાર રજિસ્ટરમાં સહી કરવા માટે અને મતદાન માટે બેલેટ યુનિટનું બટન દબાવવા માટે એક હેન્ડગ્લવ (યૂઝ એન્ડ થ્રો) આપવામાં આવશે. મતદાર માસ્ક પહેરીને જ મતદાન મથકમાં પ્રવેશ કરી તમામ હરોળમાં મતદારો ૬ ફુટ(બે ગજ)ના અંતરે ઉભા રહે તે માટે અગાઉથી જ ગોળાકાર આકૃતિ/નિશાનો દોરવામાં આવશે. વધારાના મતદારોને મતદાન કેન્દ્રની બહાર સામાજિક અંતર જળવાય તે રીતે પ્રતિક્ષા વિસ્તારમાં રાખવામાં આવશે.

Exit mobile version