પ્લાઝમાં આપ્યા બાદ ૧૦ મિનિટમાં જ મેં રૂટિન કાર્ય શરૂ કર્યું : ડોનર જયદિપ રવાણી
સુરત: કોરોનામાં પ્રથમ ફેઝથી જ કોરોનામુક્ત સુરતીઓ પ્લાઝમા ડોનેટ કરવાંમાં અગ્રેસર રહ્યાં છે. યુવાવર્ગ પણ કોરોનામુક્ત થયાં બાદ પ્લાઝમા ડોનેટ કરીને અન્યને પણ જાગૃત્ત કરવામાં યોગદાન આપી રહ્યાં છે, ત્યારે વરાછાના રવાણી પરિવારના સગા ભાઈઓએ સ્મીમેર હોસ્પિટલની પ્લાઝમા બેન્કમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે.
મૂળ પાલિતાણાના અને હાલ વરાછાના લંબેહનુમાન રોડ સ્થિત નિલકમલ પાર્ક સોસાયટીમાં રહેતા ગણેશભાઈ રવાણીના બે પુત્રો જયદિપ અને અમિતે પ્લાઝમા દાન કર્યા બાદ હજું આગળ પણ શક્ય હોય ત્યાં સુધી, શરીરમાં એન્ટીબોડી બનશે ત્યાં સુધી પ્લાઝમાં દાન કરતાં રહીશું એવો સંકલ્પ કર્યો છે. બે ભાઈઓમાંથી મોટા ભાઈ ૨૮ વર્ષીય જયદિપે આ સાથે ૧૫મી વાર અને નાનાભાઈ અમિતે ૭મી વાર પ્લાઝમાં ડોનેટ કર્યું હતું.
બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા જયદિપભાઈએ જણાવ્યુ કે, ગત વર્ષે પ્રથમ ફેઝમાં ૨૬ જૂનના રોજ પોઝિટિવ આવ્યો હતો અને મે વોટ્સએપ સ્ટેટ્સમાં વાચ્યું હતું કે પ્લાઝમા ડોનેટ કરવાથી બે કોરોનાગ્રસ્ત દર્દીનું જીવન બચાવી શકાય છે, એટલે ૨૯ દિવસ બાદ સ્મીમેર હોસ્પિટલમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. અહીંના સ્ટાફનો મૃદુ સ્વભાવ અને સૌમ્ય વર્તન જોઈને મેં નક્કી કર્યું કે સ્મીમેર પ્લાઝમા બેંકના કર્મીઓ અન્ય જરૂરિયાતમંદોને સેવાના ભાવથી મદદરૂપ થઈ રહ્યાં છે, એ જ રીતે હું પણ શક્ય હોય ત્યાં સુધી પ્લાઝમા ડોનેટ કરતો રહીશ. પ્લાઝમા આપવાથી આપણા શરીરમાંથી કંઈ ગુમાવવાનું રહેતું નથી, પરંતુ કોઈને મદદ કર્યાનો આત્મસંતોષ મળે છે. પ્લાઝમાં આપ્યાના ૧૦ મિનિટમાં મેં રૂટિન કામ શરૂ કર્યું હતું એમ જયદિપ જણાવે છે.
૨૫ વર્ષિય અમિત ગણેશભાઈ રવાણી આર્કિટેકટ છે, તેઓ જણાવે છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં પોઝિટિવ આવ્યો, પરંતુ ક્રિટીકલ લક્ષણો ન હોવાથી હોમ આઈસોલેટ રહીને સારવાર લીધી હતી. મારા મોટા ભાઈની પ્રેરણાથી હું પણ પ્લાઝમા ડોનેટ કરૂ છું. આજે ૭મી વાર પ્લાઝમા ડોનેટ કરું છું, આ માટે મારા પરિવારનો પણ ખુબ સહયોગ અને પ્રોત્સાહન રહ્યું છે
નોંધનીય છે કે, સુરતની મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પ્રતિદિન ૨૨થી ૨૫ યુનિટ પ્લાઝમાં ઈસ્યુ કરવામાં આવે છે, અને પ્રતિદિન ૧૨થી ૧૫ ડોનરનું પ્લાઝમા એકત્ર કરવામાં આવે છે.