સુરત જિલ્લામાં વરિષ્ઠ અને ગંભીર બિમારીગ્રસ્ત નાગરિકોનું રસીકરણ શરૂ

સુરત: કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને રસી આપ્યા પછી હવે ત્રીજા ફેઝમાં તા.૧લી માર્ચથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો તેમજ ગંભીર બિમારીથી પીડિત ૪૫ વર્ષથી વધુ અને પ૯ વર્ષ સુધીના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યંબ છે.

કેન્સર, કિડનીની બિમારી, હ્રદયરોગ, ડાયાબિટીસ, હાઈપર ટેન્શન જેવી બિમારી હોય તો પણ તેઓ કોરોનાવિરોધી રસી લઈ શકશે. આવી બિમારીથી પીડાતા ૪૫ વર્ષથી ઉપરના અને પ૯ વર્ષ સુધીના લોકોએ રસી લેતા પહેલા બિમારીનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. અને વરિષ્ઠ નાગરિકોએ ઉંમરના પુરાવા તરીકે આધાર કાર્ડ કે ફોટો આઈ.ડી રજૂ કરવાના રહેશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ અને દરેક તાલુકા આરોગ્ય અધિકારીના દેખરેખ હેઠળ કોરોના રસીકરણની કામગીરી યોજાશે.

સુરત જિલ્લાના ૯ તાલુકામાં દરેક સરકારી હોસ્પિટલો, દરેક સામૂહિક અને પ્રા.આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાની રસી વિનામૂલ્યે આપવામાં આવશે. ઉપરાંત જેઓ સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલ બારડોલી હોસ્પિટલ-બારડોલી, સાધના કુટિર હોસ્પિટલ-કીમ, ભરત કેન્સર હોસ્પિટલ-સરોલી તેમજ સંજીવની હોસ્પિટલ-કડોદરા ખાતે રસી લેવા માંગતા હોય તેમણે સરકારે નિયત કરેલી ફી પ્રતિ ડોઝ રૂ.૨૫૦/- ચુકવવાના રહેશે. કોરોના રસીકરણ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે આપવામાં આવતી કોરોના વેક્સિનનો દરેક લોકોએ લાભ લેવા માટે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

Exit mobile version