ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર

કેલીફોર્નિયા ખાતે એપ્રિલ– ર૦રર માં યોજાનારી કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો ભાગ લઇ પોતાના પ્રોજેકટ માટે ફન્ડીંગ (ડેબ્ટ, ઇકવીટી તથા જોઇન્ટ વેન્ચર) મેળવી શકશે

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૯ જાન્યુઆરી, ર૦રરના રોજ સાંજે ૬:૦૦ કલાકે ‘ગ્લોબલ ફન્ડીંગ’વિષય ઉપર વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુ.એસ. ગ્લોબલ બિઝનેસ ફોરમના એશિયા ચેરમેન ડો. અરૂણ ઘોષ દ્વારા દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક સ્તરેથી ફન્ડીંગ (ડેબ્ટ, ઇકવીટી તથા જોઇન્ટ વેન્ચર) મેળવવાની દિશામાં મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ડો. અરૂણ ઘોષે જણાવ્યું હતું કે, અમેરિકાના રોકાણકારો મુખ્યત્વે ર૦ જેટલા સેગમેન્ટમાં રોકાણ કરવા માટે ઉત્સુક હોય છે. જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટીકલ, ટુરિઝમ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ટેલીકોમ, ડિફેન્સ, ઓઇલ એન્ડ માઇન્સ તથા રિન્યુએબલ એનર્જી વિગેરે સેગમેન્ટનો સમાવેશ થાય છે. અમેરિકાના રોકાણકારો ભારતના વિવિધ રાજ્યોમાં તથા શહેરોમાં વિવિધ પ્રોજેકટમાં ફન્ડીંગ કરી રહયા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં ટેકસટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિગેરે ઉદ્યોગો માટે પણ તેઓ ફન્ડીંગ કરવા માટે ઉત્સુક છે. આથી સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ સાહસિકો પોતાના પ્રોજેકટ માટે અમેરિકામાંથી ફન્ડીંગ મેળવી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટેસ્લા જેવી મોટી કંપની પણ ભારતમાં રોકાણ કરી રહી છે ત્યારે એપ્રિલ– ર૦રર માં અમેરિકાના કેલીફોર્નિયા ખાતે મહત્વની કોન્ફરન્સ થનાર છે. જેમાં અમેરિકાના રોકાણકારો ભાગ લેનાર છે. આથી પોતાના પ્રોજેકટ માટે ફન્ડીંગ શોધી રહેલા ઉદ્યોગ સાહસિકો તેમજ ઉદ્યોગકારો દ્વારા પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરીને યુ.એસ. ગ્લોબલ બિઝનેસ ફોરમને આપવાનો રહેશે અને ત્યારબાદ આ કોન્ફરન્સમાં જોડાવવાનું રહેશે. આ કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો અને ફન્ડીંગ કરનારાઓ વચ્ચે મિટીંગ થશે. ત્યારબાદ બંને વચ્ચે એમ.ઓ.યુ. સાઇન થશે. આવી રીતે અમેરિકામાંથી ફન્ડીંગ મેળવી ભારતમાં ઉદ્યોગ સાહસિકોના વિવિધ પ્રોજેકટ સાકાર થઇ શકશે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન ડો. અનિલ સરાવગીએ વેબિનારનું સંચાલન કર્યું હતું. સંજય પટવાએ ડો. અરૂણ ઘોષનો પરિચય આપ્યો હતો. વેબિનારમાં જોડાયેલા ઉદ્યોગ સાહસિકો દ્વારા કરવામાં આવેલા વિવિધ સવાલોના ડો. ઘોષ દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવ્યો હતો. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Exit mobile version