SGCCI લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન–૬’નો શુભારંભ
સુરત, ગુજરાત : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગ અને સુરત ઓલપાડ ચોર્યાસી કડવા પાટીદાર સમાજના સંયુક્ત ઉપક્રમે રાંદેર રોડ સ્થિત અમીધારા, કડવા પાટીદાર સમાજ વાડી ખાતે યોજાયેલા ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન– ૬’નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ એકઝીબીશન આગામી તા. ૭ ફેબ્રુઆરી ર૦ર૧ સુધી સવારે ૧૧:૦૦ થી રાત્રે ૮:૦૦ કલાક દરમ્યાન જાહેર જનતા માટે ખુલ્લુ રહેશે.
ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં કુલ ૧૦૯ મહિલા સાહસિકોને ચેમ્બર દ્વારા વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યા છે. જેથી કરીને મહિલા સાહસિકો પરિવારને આર્થિક મદદ કરી શકે. જાન્યુઆરી મહિનામાં આ જ સ્થળે યોજાયેલા એકઝીબીશનમાં શહેરની બહેનોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી આ વખતે ફરીથી એ જ સ્થળે આ એકઝીબીશન થકી અન્ય મહિલા સાહસિકો પગભર થઇ શકે તે હેતુથી એકઝીબીશન યોજાયું છે. આશા છે કે તેમને પણ ખરીદી કરનાર સુરત શહેરની બહેનોનો સહકાર મળી રહેશે અને તેના થકી તેમનો બિઝનેસ વધશે.
તેમણે વધુમાં કહયું કે, કોવિડ– ૧૯ને કારણે લોકડાઉનમાં જે વિપરીત પરિસ્થિતિનું સર્જન થયું હતું તેમાંથી મહિલા સાહસિકોને બહાર કાઢવા તેમજ તેઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી ચેમ્બર દ્વારા છઠ્ઠી વખત ‘આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશન’નું આયોજન કરાયું છે. આ એકઝીબીશનમાં મહિલા સાહસિકો દ્વારા ઘર સુશોભન, ખાણીપીણીની ચીજવસ્તુઓ, સાજ સજાવટ અને ડ્રેસ મટિરિયલ્સ વિગેરેનું વેચાણ કરવામાં આવી રહયું છે.