ગુજરાત

માત્ર સાત જ મહિનામાં ગ્રીન મેને તૈયાર કર્યું ઘેઘૂર વન

 

ગ્રીન મેન તરીકે જાણીતા બિઝનેસમેન અને પર્યાવરણવીદ્ વિરલ દેસાઈએ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનના માધ્યમથી ડિસેમ્બર ૨૦૧૯માં ઈન્ડિયન રેલવેઝના સૌથી પહેલા અર્બન ફોરેસ્ટનું નિર્માણ કર્યું હતું. ઉધના આરપીએફ કોલોની પાસે મિયાવાકી પદ્ધિતિથી તૈયાર થયેલા આ અર્બન ફોરેસ્ટમાં 1100થી વધુ નેટિવ સ્પિસિસના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.

શહીદ સ્મૃતિ વનતરીકે ઓળખાતા આ અર્બન ફોરેસ્ટના લોકાર્પણને હજુ સાત જ મહિના થયા છે ત્યાં વૃક્ષો ઘણા ઘેઘૂર થઈ ગયા છે અને એ કારણે સમગ્ર વિસ્તારના વાતાવરણમાં નોંધનીય પલટો આવી ગયો છે. સાત મહિના પહેલાં જે જગ્યાએ ઉકરડા જેવી સ્થિતિ હતી એ જગ્યાએ હવે 1100થી વધુ વૃક્ષોને કારણે એક ઈકો સિસ્ટમ ઊભી થઈ છે, જેને પગલે અનેક પ્રજાતિના પક્ષીઓ, ખિસકોલીઓ કે જીવજંતુઓએ ત્યાં પનાહ લીધી છે. અનેક વૃક્ષોને કારણે એ વિસ્તારની એર ક્વોલિટીમાં પણ ઘણો સુધારો થયો છે અને હવે એ વિસ્તાર ઑક્સિજન ચેમ્બર બની ગયો છે.

પર્યાવરણવાદી વિરલ દેસાઈ તેમની આ સફળતા વિશે કહે છે કે, ‘મિયાવાકી પદ્ધતિથી તૈયાર કરાયેલા આ ફોરેસ્ટમાં ચોમાસા પછી તો સાવ જ જુદી પરિસ્થિતિ હશે. અહીં આવનાર માણસને વિશ્વાસ નહીં થાય કે તે ઉધના- લિંબાયત વિસ્તારની વચ્ચોવચ છે. કારણ કે અહીં હજુ વધુ માત્રામાં જીવ સૃષ્ટી વિકસસે, જેની અહીંના જનજીવનના માનસીક તેમજ શારીરિક સ્વાસ્થ્ય પર નોંધપાત્ર અસર થશે. જીવસૃષ્ટી આ જગ્યાએ વધુ વિકસે એ માટે અમે વનમાં જુવાર અને મકાઈનું પણ વાવેતર કર્યું છે, જેને પગલે આપોઆપ ત્યાં પક્ષીઓ આવશે અને તેઓ આ જગ્યાએ જ વસી જશે.

સુરતનું આ પ્રથમ અર્બન ફોરેસ્ટ જ્યાં તૈયાર થયું છે એ જગ્યાએ રહેનારા આરપીએફના અધિકારીઓ અને જવાનો પણ અર્બન ફોરેસ્ટને લીધે આવેલા હકારાત્મક પરિવર્તનથી અત્યંત આનંદીત છે. આ અર્બન ફોરેસ્ટમાં ફળો આપનારા વૃક્ષો અને સરગવાનું પણ વાવેતર કરવામાં આવ્યું છે એટલે ત્યાંના જવાનો એ ફળો તેમજ શાકભાજી માટે પણ અત્યંત ઉત્સાહીત છે. વિરલ દેસાઈએ સાથે જ એમ પણ જણાવ્યું હતું કે આવનારા સમયમાં દેશના શહેરોના અર્બન ફોરેસ્ટની તાતી જરૂરિયાત પડવાની છે. એવા સમયમાં સુરતે અર્બન ફોરેસ્ટની દિશામાં ગતિ પકડી છે એ આનંદની વાત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button