સુરત જિલ્લાના ચાર તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ યોજાયું

માંગરોળ, કામરેજ, પલસાણા અને માંડવી ખાતે કુલ ૩૪૩ આરોગ્યકર્મીઓને રસી અપાઈ

સુરત: રાજ્ય સરકારે વૈશ્વિક મહામારી કોરોના સામેના જંગમાં અવિરત કાર્ય કરી રહેલા આરોગ્ય સાથે સંકળાયેલા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં કોરોનાની રસી મુકવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે સુરત જિલ્લાના માંગરોળ, કામરેજ, પલસાણા અને માંડવી એમ ચાર તાલુકાઓમાં કોરોનાવિરોધી રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કામરેજના ૧૦૪, માંડવીના ૭૮, પલસાણાના ૭૧ અને માંગરોળના ૯૦ આરોગ્યકર્મીઓ મળી કુલ ૩૪૩ને કોરોનાવિરોધી રસી આપવામાં આવી હતી. માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ રસીકરણ અને કામરેજના પારડી ખાતે ધારાસભ્યશ્રી વી ડી ઝાલાવાડીયાએ કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી ડો.ધવલ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત રસીકરણ અભિયાનમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસરો, સી.એચ.ઓ, ખાનગી હોસ્પિટલના ડોકટરો અને હોસ્પિટલનો સ્ટાફ, આશા બહેનો, આશા ફેસેલિટેટરો અને આંગણવાડી કાર્યકર બહેનોને રસી આપવામાં આવી હતી.

તમામ સ્થળોએ લાભાર્થીઓ હેન્ડવોશ કરીને પી.એચ.સી.માં આવ્યા બાદ પોલીસ કર્મચારી દ્વારા તેમના ડોક્યુમેન્ટ વેરિફીકેશન થયા પછી તેમનું રજિસ્ટ્રેઓશન કરી ક્રમશ: કોવિડ-૧૯ ની રસી મુકવામાં આવી હતી. કોરોનાની રસી મૂકાયેલા ફ્રન્ટલાઈન વર્કર્સને ઓબ્ઝર્વેશન રૂમમાં નિરીક્ષણ હેઠળ રખાયા હતાં. જે કર્મચારીને કોઈ તકલીફ ન હોય તેમને ઘરે જવા દેવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસરો, મેડિકલ ઓફિસરો, આયુષ એમ.ઓ., તેમજ પદાધિકારીશ્રીઓ અને આગેવાનો, સુરત જિલ્લાનાં આઈ. એમ. એ.નાં પ્રતિનિધિ ડોકટરો, શિક્ષકશ્રીઓ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

Exit mobile version