ભારતીય તટરક્ષક દળે સમુદ્રમાંથી માછીમારને બચાવ્યો

ભારતીય તટરક્ષક દળની ઇન્ટરસેપ્ટર બોટ C-152ને 23 ડિસેમ્બર 2021ના રોજ સમુદ્રમાં એક માછીમારી હોડીના મુખ્ય માછીમારને સાપ કરડ્યો હોવાનો સંદેશો પ્રાપ્ત થતા જ તેમણે ભારતીય માછીમારી હોડી ‘રુતિકા’માંથી માછીમારને બચાવ્યો હતો. આ જહાજ ઓપરેશનલ નિયુક્તિ પર હતું ત્યારે મદદ માટે સંદેશો મળતા માછીમારને બચાવવા માટે ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.

દ્વારકાથી દક્ષિણ પશ્ચિમ દિશામાં 17 નોટિકલ માઇલ દૂર સમુદ્રમાં હોડીના મુખ્ય માછીમારને માછલી પકડવાની જાળ ખેંચતી વખતે સાપે ડંખ માર્યો હતો. દર્દી તેમજ અન્ય એક ક્રૂ મેમ્બરને હોડીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા અને તેમને તટરક્ષક દળના જહાજ C-152 પર લાવવામાં આવ્યા હતા. દર્દીને જહાજમાં જ પ્રાથમિક સારવાર અને પ્રારંભિક તબીબી સારવાર આપવામાં આવી હતી. બાદમાં દર્દીને DHQ-15 ખાતે વધુ તબીબી સારવાર માટે ઓખા બંદર ખાતે લઇ જવામાં આવ્યો હતો અને તેની સ્થિતિ સ્થિર થયા બાદ દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. દર્દીની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. લગભગ એક મહિના પહેલાં બનેલી આવી જ અન્ય એક ઘટનામાં, ભારતીય તટરક્ષક દળે વાડીનારના માછીમારને સહાયતા પહોંચાડી હતી.

Exit mobile version