નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં વરિષ્ઠ નાગરિકો માટે કોરોનાવિરોધી રસીકરણનો પ્રારંભ
વરિષ્ઠ નાગરિકોને અપાઈ રહી છે કોરોના વિરોધી રસી: રસીકરણ માટે વડીલોમાં ઉત્સાહ
સુરત : સુરત શહેરમાં તા.૧લી માર્ચથી વરિષ્ઠ નાગરિકો માટે કોરોનાવિરોધી રસીકરણનો આરંભ થયો છે. જેમાં સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ, પાલિકાના હેલ્થ સેન્ટરો અને ૨૪ જેટલી ખાનગી હોસ્પિટલમાં સિનીયર સિટીઝન્સને રસી આપવામાં આવી રહી છે. સુરત મહાનગરપાલિકાના સર્વેના આધારે ૨.૫૩ લાખ લોકોને કોરોના વિરોધી રસીનો લાભ મળશે. જે પૈકી ૬૦ થી વધુ ઉંમર ધરાવતા ૨.૧૭ લાખ અને એકથી વધુ બિમારી ધરાવતા ૩૬ હજાર લોકોએ કોરોના રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ તેમજ મનપાના આસિ. કમિશનરશ્રી જયેશ ગાંધીએ સ્મીમેર હોસ્પિટલ ખાતે રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
સુરત સિવિલ હોસ્પિટલના ડો.જયેશ કોસંબીયાએ જણાવ્યું હતું કે, રસીકરણ ઝુંબેશમાં ૪૫ થી ૬૦ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો રસીનો લાભ લઇ રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રમાણે વડીલોને રસી આપવાની કામગીરી ચાલી રહી છે. વડીલોમાં કોરોના રસી લેવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રસી મૂકાયા બાદ વડીલોને ઓબ્ઝર્વેશનમાં પણ રાખવામાં આવે છે.
આગામી દિવસોમાં તમામ લોકોને રસીનો લાભ મળશે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં, પણ સાવચેતી રાખવાની જરૂર છે. સુરત આરોગ્ય તંત્ર દ્વારા રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ કરીને વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. ૬૦ વર્ષથી વધુની વયના પ્રત્યેક વડીલ આ રસીના બે ડોઝ અવશ્ય અને સમયસર લે, અને કોરોનાથી સુરક્ષિત રહે તેવો અનુરોધ પણ ડો.કોસંબીયાએ કર્યો હતો.