એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)માં સૌથી વધુ ગુણાંક બદલ ડો.પિંકલ શિરોયાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો

હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે ડો.પિંકલ

સુરત: સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં એમ.એસ. (ઓપ્થેલ્મોલોજી)ના અભ્યાસમાં સૌથી વધુ ગુણાંક મેળવવા બદલ સુરતના ડો.પિંકલ શિરોયાને નર્મદ યુનિવર્સિટીના પદવીદાનમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. સુરતના પૂર્વ મેયર અસ્મિતાબેન શિરોયા અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ચેરમેન પ્રફુલભાઈ શિરોયાની પુત્રી છે. ડો.પિંકલ શિરોયા એમ.બી.બી.એસ. પૂર્ણ કર્યા બાદ હાલ તામિલનાડુના કોઇમ્બતુર ખાતે કોર્નિયાના ટ્રાન્સપ્લાન્ટ (આંખની કીકીના પ્રત્યારોપણ)ના વિષયમાં સ્પેશ્યલાઇઝેશન કરી રહ્યાં છે. ડો.પિંકલ જણાવે છે કે, મારા પિતા લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના માધ્યમથી સેવાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. તેઓની પ્રેરણાથી હું આંખની ડોક્ટર બની છું. નેત્રદાનથી મળતાં ચક્ષુઓને કોઈ જરૂરતમંદ વ્યક્તિમાં પ્રત્યારોપણ કરી તેને પુન:દ્રષ્ટિ આપી શકાય છે.

માતાપિતાના હૂંફ અને માર્ગદર્શનથી અભ્યાસ કરીને સફળતા મેળવી છે. કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટમાં નિષ્ણાંત બની જેમણે દ્રષ્ટિ ગુમાવી છે એમને દ્રષ્ટિ પાછી મળે એ માટે કામ કરીશ.

Exit mobile version