કરોડો માઈભક્તોની આસ્થાના પરમ પવિત્ર તીર્થસ્થાન અંબાજી મુકામે માતાજીના પ્રાગટય મોહોત્સવ – પોષી પૂનમની આનંદ, ઉત્સાહ અને ભક્તિભર્યા માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરના ચાચર ચોકમાં મહાશક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલ ઉપસ્થિત રહી યજ્ઞમાં પૂજાવિધિ કરી મહાશક્તિ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ટ્રસ્ટના વહીવટદારશ્રી સુધેન્દ્રસિંહ ચાવડા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાશક્તિ યજ્ઞમાં ૪૨ દંપતીઓ જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પોષી પૂનમની માતાજીના પ્રાગટય દિવસ તરીકે આનંદ, ઉત્સવ સાથે ભક્તિભર્યા માહોલમાં શાનદાર ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી સંદર્ભે સાદગીથી ઉજવણી કરી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવી હતી.
આ પ્રસંગે અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને ટ્રસ્ટ દ્વારા ગબ્બર અખંડ જ્યોતથી જ્યોતના અંશ લાવી અંબાજી મંદિર સવારે- ૧૧.૧૫ વાગે જ્યોત મિલાવી હતી. માતાજીના પ્રાગટય મહોત્સવમાં સહભાગી બનવા તેમજ માતાજીના ચરણોમાં મસ્તક ઝુકાવવા વિશાળ સંખ્યામાં યાત્રિકો અંબાજીમાં સવારથી જ ઉમટવા લાગ્યા હતાં. સમગ્ર દિવસ દરમ્યાન મંદિર સંકુલમાં મહાશક્તિ યજ્ઞના મંત્રોચારો તથા માઈભક્તોના જયઘોષથી વાતાવરણ ગુંજતુ હતું. દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર સંતોષ અને આનંદની લાગણી જણાતી હતી.
કોરોના મહામારીમાંથી માનવ જાતને મુક્તિ મળે અને સૌનું કલ્યાણ થાય તે માટે બનાસકાંઠા કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષશ્રી આનંદ પટેલે આ પ્રસંગે માતાજીને પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગ સવિતા ગોવિંદ ટ્રસ્ટ દ્વારા આર.ઓ વોટર પ્લાન્ટ અંબાજી ટ્રસ્ટને અર્પણ કરવામાં આવ્યો હતો. પોષી પૂનમ પ્રસંગે વાવોલ -ગાંધીનગરના શ્રી પૂર્વિનભાઈ પટેલે ૧૨૫ ગ્રામ સોનાના દાગીના માતાજીને ભક્તિભાવપૂર્વક ચડાવ્યા હતાં. અન્ય એક દાતા શ્રી મૌલિકભાઈ દ્વારા અંબાજી મંદિરમાં સફાઈ કામગીરી કરતી બહેનો માટે અને જરૂરીયાતમંદ લોકોના બાળકો માટે ૫૦૦ જેટલી શૈક્ષણીક કિટ્સનું કલેકટશ્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. ગબ્બર ખાતે શકિતપીઠોના મંદિરોમાં પણ પુજરીઓ દ્વારા શાસ્ત્રોગત નિયમો અનુસાર પૂજાવિધિ કરવામાં આવી હતી.