યુવાપેઢી સાંપ્રત સમયમાં સ્વાતંત્ર્યસેનાનીઓના બલિદાન અને આઝાદીના ઐતિહાસિક વારસાને યાદ રાખે: સાંસદ પ્રભુભાઈ વસાવા

કામરેજ ખાતે ‘આઝાદીના અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ કરાવતાં સાંસદ પ્રભુભાઈ વસાવા

સુરત: કામરેજના દાદા ભગવાન મંદિર ખાતે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ તેમજ ‘દાંડીકુચ’ સ્મૃતિની ઉજવણીનો પ્રારંભ કરાવતાં સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ એક ભારત-શ્રેષ્ઠ ભારતને ચરિતાર્થ કરવા તેમજ આઝાદીના અમૃત પર્વને ભારતના જન-જન અને હર મન સુધી પહોંચાડવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું.

શ્રી પ્રભુભાઈ વસાવાએ દાંડીકુચના ઐતિહાસિક મહત્વ અંગે જણાવ્યું હતું કે, ગાંધીજીના સત્યાગ્રહનો સંદેશ લઈને અમદાવાદથી શરૂ થયેલી આઝાદીના ગૌરવપૂર્ણ ઈતિહાસને દોહરાવશે. દાંડીયાત્રા ઈતિહાસના દરમિયાન સમગ્ર ગુજરાતની ૭૫ જગ્યાઓ પર વિવિધ દેશભક્તિસભર કાર્યક્રમો યોજાશે. યુવાપેઢી સાંપ્રત સમયમાં સ્વાતંત્ર્યસેનાનીઓના બલિદાન અને આઝાદીના ઐતિહાસિક વારસાને યાદ રાખે. દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચુકેલા આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ દાંડીયાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ છે, ત્યારે યાત્રાના સ્વાગત તેમજ સન્માન માટે મોટી સંખ્યામાં સહભાગી થઇ સ્વરાજ મેળવવાની સંઘર્ષમય કુચ વિષે માહિતગાર થઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

શ્રી વસાવાએ વધુમાં કહ્યું કે, દાંડીકુચ પદયાત્રામાં સહભાગી થવાનો આપણા સૌ માટે અનેરો અવસર છે. યુવાપેઢી ઈતિહાસનું અવલોકન કરી તેમાંથી દેશને વિકાસના માર્ગે લઈ જવાની પ્રેરણા મેળવી શકશે. રાજ્ય અને કેન્દ્ર સરકારને આ પ્રકારની યાત્રાનું આયોજન કરવાં બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

ગાંધીવિચારના તજજ્ઞ પ્રો.અર્પિત દવેએ ગાંધીજીની ફિલોસોફી અંગે વિસ્તૃત છણાવટ કરતાં જણાવ્યું હતું કે, ગાંધીજીનું જીવન બે સુત્રો તેમજ ૧૧ મહાવ્રત ઉપર આધારિત છે. પ્રથમ સૂત્ર- મારું જીવન એજ મારો સંદેશ અને બીજું સૂત્ર- સાદું જીવન, ઉચ્ચ વિચાર’ આ બે મહાન સૂત્રોમાં સમાય જાય છે, જ્યારે ૧૧ મહાવ્રત સ્તંભોમાં સત્ય, અહિંસા, જાતમહેનત વગેરે જેવા ગુણોનો સમાવેશ થાય છે.

આ વેળાએ ૧૨ વર્ષની વયે પિતાજી સાથે ગાંધીજીની પ્રત્યક્ષ મુલાકાત લેનાર ૯૯ વર્ષના સ્વાતંત્ર્ય સેનાની વિનોદરાય મોદીનું સાંસદશ્રીએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલાવાડિયા સહિત ગ્રામજનો, ગાંધીવિચારપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version