પ્રધાનમંત્રીએ દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન પર ભારતની પ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું

શહેરીકરણની પ્રક્રિયાને પડકારરૂપ ગણવાને બદલે દેશમાં વધારે સારી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની અને જીવન સરળ બનાવવાની તક ગણવી જોઈએઃ પ્રધાનમંત્રી

વિવિધ પ્રકારની મેટ્રો આરઆરટીએસ, મેટ્રોલાઇટ, મેટ્રો નીયો અને વોટર મેટ્રો પર કામગીરી ચાલી રહી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીએ વિવિધ વિસ્તારોમાં સેવાઓનાં સંકલનના ઉદાહરણો આપ્યાં

ભારત ડ્રાઇવર વિનાની મેટ્રો રેલ ધરાવતા પસંદગીના દેશોમાં સામેલ થયોઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા દિલ્હી મેટ્રોની મેજેન્ટા લાઇન પર ભારતની સૌપ્રથમ ડ્રાઇવર વિનાની ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમજ આજે નેશનલ કોમન મોબિલિટી કાર્ડ (એનસીએમસી)ને પણ દિલ્હી મેટ્રોની એરપોર્ટ એક્સપ્રેસ લાઇન પર ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી હતી. ગયા વર્ષે એનસીએમસી કાર્ડના ઉપયોગની શરૂઆત અમદાવાદમાં થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી અને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આજના કાર્યક્રમને શહેરી વિકાસલક્ષી સુવિધાને ભવિષ્ય માટે સજ્જ કરવાનો પ્રયાસ સમાન ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભવિષ્યની જરૂરિયાતો માટે દેશને તૈયાર કરવો કોઈ પણ સરકારના શાસનની મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. તેમણે એ હકીકતની ટીકા કરી હતી કે, જ્યારે થોડા દાયકાઓ અગાઉ શહેરીકરણની માગ અને જરૂરિયાતો અનુભવાઈ હતી, ત્યારે ભવિષ્યની જરૂરિયાતો પર પર્યાપ્ત ધ્યાન આપવામાં આવ્યું નહોતું, અધૂરાં પ્રયાસો થયા હતા અને ગૂંચવળો ઊભી થઈ હતી. તેમણે કહ્યું હતું કે, એનાથી વિપરીત આધુનિક વિચારસરણી જણાવે છે કે, શહેરીકરણને એક પડકાર તરીકે ન જોવો જોઈએ, પણ આ પ્રક્રિયાને એને દેશમાં વધારે સારી માળખાગત સુવિધાઓનું સર્જન કરવાની એક તક ગણવી જોઈએ, જેના દ્વારા આપણે નાગરિકોનું જીવન વધારે સરળ બનાવી શકીએ. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે આ પ્રકારની અલગ વિચારસરણી શહેરીકરણના દરેક પાસાંમાં જોવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2014માં ફક્ત 5 મહાનગરો મેટ્રો રેલ ધરાવતા હતા અને અત્યારે મેટ્રો રેલની સુવિધા 18 શહેરોમાં શરૂ થઈ છે. વર્ષ 2025 સુધીમાં આપણે દેશના 25 શહેરોમાં મેટ્રો રેલની સુવિધા ઊભી કરવાના છીએ. વર્ષ 2014માં દેશમાં ફક્ત 248 કિલોમીટર પર મેટ્રો લાઇન કાર્યરત હતી અને અત્યારે એનાથી ત્રણ ગણી વધારે, 700 કિલોમીટરથી વધારે પાટાં પર મેટ્રો ટ્રેનો દોડે છે. વર્ષ 2025 સુધીમાં અમે 1700 કિલોમીટર પર મેટ્રો ટ્રેન દોડાવવાનો પ્રયાસ કરવાનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ ફક્ત આંકડા નથી, પણ કરોડો ભારતીયોના જીવનમાં ઊભી થઈ રહેલી સરળતાનો પુરાવો છે. આ ફક્ત ઇંટો અને પત્થરોનું માળખું નથી, કોન્ક્રીટ અને લોખંડનું માળખું નથી, પણ દેશના કરોડો નાગરિકો, દેશના મધ્યમ વર્ગની પૂર્ણ થયેલી આકાંક્ષાનો પુરાવો છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકારે પહેલી વાર મેટ્રો ટ્રેન માટેની નીતિ બનાવી હતી અને એનો સંપૂર્ણ વ્યૂહરચના સાથે અમલ થઈ રહ્યો છે. સ્થાનિક માંગણીને સુસંગત કામગીરી કરવા, સ્થાનિક ધારાધોરણોને પ્રોત્સાહન આપવના, મેક ઇન ઇન્ડિયાનો વ્યાપ વધારવા અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે ભાર મૂકવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, આધુનિક પરિવહનના ઉપયોગી માધ્યમ સ્વરૂપે મેટ્રોનું વિસ્તરણ શહેરના લોકોની જરૂરિયાત અને વ્યાવસાયિક જીવનશૈલીને અનુરૂપ કરવું પડશે. આ કારણે વિવિધ શહેરોમાં જુદાં જુદાં પ્રકારની મેટ્રો રેલ પર કામગીરી ચાલી રહી છે.


પ્રધાનમંત્રીએ મેટ્રો રેલના વિવિધ પ્રકારો વિશે જાણકારી આપી હતી, જેના પર કામગીરી હાથ ધરવામાં આવી છે. દિલ્હી અને મેરઠ વચ્ચે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પર પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એનાથી દિલ્હી અને મેરઠ વચ્ચે પ્રવાસનો સમય એક કલાકથી ઓછો થઈ જશે. તેમણે જણાવ્યું હતું કે, જે શહેરોમાં પેસેન્જરોની સંખ્યા ઓછી છે, ત્યાં મેટ્રોલાઇટ વર્ઝન પર કામગીરી ચાલી રહી છે. મેટ્રોલાઇટ વર્ઝનનું નિર્માણ સામાન્ય મેટ્રોથી 40 ટકા ઓછા ખર્ચે થશે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં રાઇડરશિપ ઓછી છે, એ શહેરોમાં મેટ્રો નીયો પર કામગીરી ચાલુ છે. એનું નિર્માણ પણ સામાન્ય મેટ્રોના ખર્ચથી 25 ટકા ઓછા ખર્ચે થશે. એ જ રીતે વોટર મેટ્રોનો વિચાર સંપૂર્ણપણે નવો છે. જે શહેરો મોટા જળાશયો ધરાવે છે, ત્યાં વોટર મેટ્રો પર કામગીરી ચાલુ છે. આ નજીકના ટાપુઓ પર વસતાં લોકોને જોડાણની સુવિધા પ્રદાન કરશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે મેટ્રો જન પરિવહનનું માધ્યમ બનવાની સાથે પ્રદૂષણ ઘટાડવાનું મોટું માધ્યમ બની છે. મેટ્રો નેટવર્કને કારણે માર્ગ પર હજારો વાહનોની સંખ્યામાં ઘટાડો થવાથી પ્રદૂષણ અને માર્ગ પર વાહનોની ગીચતામાં ઘટાડો થયો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મેટ્રો સેવાઓનું વિસ્તરણ કરવા માટે મેક ઇન ઇન્ડિયા મહત્ત્વપૂર્ણ છે. મેક ઇન ઇન્ડિયાથી ખર્ચમાં ઘટાડો થશે, વિદેશી હૂંડિયામણની બચત થશે અને દેશમાં વધુ લોકોને રોજગારી મળશે. તેમણે ભાર મૂક્યો હતો કે, રોલિંગ સ્ટોકના પ્રમાણીકરણથી દરેક કોચનો ખર્ચ 12 કરોડ રૂપિયાથી ઘટીને 8 કરોડ થયો છે. અત્યારે ચાર મોટી કંપનીઓ દેશમાં મેટ્રો કોચનું નિર્માણ કરે છે અને મેટ્રોના ઘટકોનું ઉત્પાદન કરવામાં ડઝન જેટલી કંપનીઓ સંકળાયેલી છે. એનાથી મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત માટેના અભિયાનને મદદ મળી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવર વિનાની મેટ્રો રેલની ઉપલબ્ધિ સાથે આપણો દેશ દુનિયાના પસંદગીના દેશોમાં સામેલ થઈ ગયો છે, જ્યાં આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે આ પ્રકારની ટ્રેનોમાં બ્રેક લગાવવામાં આવે છે, ત્યારે ઉપયોગ થતી ઊર્જાનો 50 ટકા હિસ્સો ગ્રિડને પરત મળે છે. અત્યારે મેટ્રો રેલમાં 130 મેગાવોટ સૌર ઊર્જાનો ઉપયોગ થાય છે, જે વધીને 600 મેગાવોટ થશે.
કોમન મોબિલિટી કાર્ડ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આધુનિકીકરણ માટે સમાન ધારાધોરણો અને સુવિધાઓ અતિ મહત્ત્વપૂર્ણ છે. રાષ્ટ્રીય સ્તરે કોમન મોબિલિટી કાર્ડ આ દિશામાં એક મોટું પગલું છે. આ એક કાર્ડ મુસાફરોને જ્યાં પ્રવાસ કરે ત્યાં, જે જન પરિવહન સેવાનો ઉપયોગ કરે એમાં સંકલિત સેવાની સુવિધા પ્રદાન કરશે.
કોમન મોબિલિટી કાર્ડનું ઉદાહરણ આપતા પ્રધાનમંત્રીએ તમામ સિસ્ટમને સંગઠિત કરવાની પ્રક્રિયા પર જાણકારી આપી હતી. આ પ્રકારની સંગઠિત વ્યવસ્થાઓ દ્વારા દેશની ક્ષમતાનો વધારે સંકલિત અને અસરકારક રીતે ઉપયોગ થઈ રહ્યો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, “એક દેશ, એક મોબિલિટી કાર્ડ સાથે અમારી સરકારે અગાઉના વર્ષોમાં દેશની વ્યવસ્થાઓને સંગઠિત કરવા માટે ઘણી કામગીરી કરી છે.”
એક દેશ, એક ફાસ્ટેગથી દેશભરના રાજમાર્ગો પર પ્રવાસ કરવાનું વધારે સરળ બની ગયું છે. એનાથી માર્ગો પર જામ અને વિલંબથી પ્રવાસીઓને છૂટકારો મળ્યો છે. એક દેશ, એક કરવેરો એટલે કે જીએસટીથી કરવેરાની જટિલ વ્યવસ્થાઓનો અંત આવ્યો છે અને પરોક્ષ કરવેરાની વ્યવસ્થામાં એકરૂપતા આવી છે. એક દેશ, એક પાવર ગ્રિડથી દેશના દરેક વિસ્તારમાં પર્યાપ્ત અને સતત વીજળીનો પુરવઠો ઉપલબ્ધ થયો છે. વીજ પુરવઠાનું નુકસાન ઘટ્યું છે.
એક દેશ, એક ગેસ ગ્રિડ સાથે ગેસનું સતત જોડાણ એવા વિસ્તારોમાં સુનિશ્ચિત થયું છે, જ્યાં ગેસ આધારિત જીવન અને અર્થતંત્ર અગાઉ સ્વપ્નવત હતું. એક દેશ, એક હેલ્થ વીમાયોજના એટલે કે આયુષ્માન ભારત દ્વારા ભારતના લાખો લોકને દેશના કોઈ પણ ભાગમાં આરોગ્યલક્ષી સુવિધાનો લાભ મળ્યો છે. વળી એક દેશ, એક રેશન કાર્ડ દ્વારા નાગરિકોને દેશના કોઈ પણ વિસ્તારમાં નવું રેશન કાર્ડ બનાવવાની સમસ્યામાંથી છૂટકારો મળ્યો છે. એ જ રીતે દેશ એક દેશ, એક કૃષિ બજાર તરફ અગ્રેસર છે. આ માટે અમે નવા કૃષિલક્ષી સુધારા અને ઇ-એનએએમ જેવી વ્યવસ્થાઓ કરી છે.

Exit mobile version