સુરતથી સ્ટાર એર એરલાઇન્સની કિશનગઢ અને બેલગામની પ૦ સીટરની ફલાઇટ શરૂ

સુરત : સુરતથી હવાઇ માર્ગે વારંવાર પ્રવાસ કરનારા સુરતના મુસાફરો માટે સુરતથી સ્ટાર એર એરલાઇન્સની કિશનગઢ અને બેલગામની પ૦ સીટરની ફલાઇટ શરૂ થઇ છે. આ પ્રસંગે નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ચેમ્બરની એવીએશન/એરપોર્ટ કમિટીના ચેરમેન મનોજ સિંગાપુરી હાજર રહ્યા હતા. સુરતના હીરા અને ટેક્ષ્ટાઇલ ઉપરાંત અન્ય ઉદ્યોગકારોને આ ફલાઇટનો લાભ થશે. ઉદ્યોગકારો એક જ દિવસમાં સુરતથી વેપાર માટે ગંતવ્ય સ્થળે જઇને પાછા સુરત પરત ફરી શકશે. આ ફ્‌લાઇટ સોમવાર, બુધવાર અને શુક્રવારે ઓપરેટ થનારી છે. બેલગામથી ફલાઇટ બપોરે ૧રઃ૦૦ કલાકે ટેકઓફ થઈ સુરત બપોરે ૧ઃર૦ કલાકે લેન્ડ થશે. બપોરે ૧ઃપ૦ કલાકે સુરતથી ટેકઓફ થઈ કિશનગઢ બપોરે ૩ઃ૧૦ કલાકે લેન્ડ થશે. જ્યાંથી બપોરે ૩ઃ૪૦ કલાકે ટેકઓફ થઈ સુરત સાંજે પઃ૦૦ કલાકે લેન્ડ થશે અને સુરતથી સાંજે પઃ૩૦ કલાકે ટેકઓફ થઈને બેલગામ સાંજે ૬ઃપ૦ કલાકે લેન્ડ થશે. આ નવી સેવા સુરત, ભરૂચ, નર્મદા અને નવસારી જિલ્લામાં રહેતા સેંકડો લોકો માટે લાભદાયી સિદ્ધ થશે.

Exit mobile version