ચેમ્બર દ્વારા ‘હાઉ ટુ રન ફેમિલી બિઝનેસ પ્રોફેશનલી’ વિશે સેમિનાર યોજાયો

ફેમિલી બિઝનેસમાં કંપનીની બાગડૌર સંભાળતા પરિવારના દરેક મેમ્બર્સમાં રોલ કલીયારિટી હોય તો બિઝનેસ સફળ થાય છે : નિષ્ણાંત

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયાના સંયુકત ઉપક્રમે બુધવાર, તા. ૬ એપ્રિલ, ર૦રર ના રોજ સાંજે પઃ૦૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે ‘હાઉસ ટુ રન ફેમિલી બિઝનેસ પ્રોફેશનલી’ વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાંત વકતા તરીકે બિઝ ટ્રાન્સ કન્સલ્ટીંગના સીઇઓ એ. બી. રાજુ દ્વારા ઉદ્યોગ સાહસિકોને મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

એ. બી. રાજુએ જણાવ્યું હતું કે, બિઝનેસ કેટલો મોટો છે અને તેને કયાં સુધી લઇ જવાનો છે તેના પર બિઝનેસની સફળતા ડિપેન્ડ કરે છે. દા.ત. રૂપિયા પ૦ કરોડની કંપની હોય અને તેને પાંચ વર્ષમાં રૂપિયા ર૦૦ કરોડની કંપની બનાવવી હોય તો તેના માટે યોગ્ય પ્લાનિંગ કરવું પડે છે. બિઝનેસને નવી ઉચાઇ સુધી પહોંચાડવા માટે પોતે તો મહેનત કરવી જ પડે છે પણ તેની સાથે સાથે બિઝનેસ સિવાય બહારના લોકોની પણ મદદ લેવી પડે છે. ખાસ કરીને ફેમિલી બિઝનેસમાં સફળતા માટે વ્યવસ્થિત અને કાબેલ કર્મચારીની નિમણૂંક મહત્વની હોય છે. કંપનીઓમાં મેનેજરનું ટેલેન્ટ જોઇને તેઓને જવાબદારી સોંપી નિર્ણય લેવાની ઓથોરિટી આપવાને બદલે તેઓની પાસે કલેરિકલ કામ કરાવવામાં આવે છે. મોટા ભાગના ફેમિલી બિઝનેસમાં આ પ્રકારનું વલણ હોવાથી કંપનીના માલિક મેનેજરની ભૂમિકામાં આવી જાય છે. આથી મોટા ભાગે ફેમિલી બિઝનેસનું કેટલાક વર્ષોમાં પતન થઇ જાય છે.

રોલ કલીયારિટી ઉપર પ્રકાશ પાડતા તેમણે કહયું હતું કે, ફેમિલી બિઝનેસમાં જ્યારે પરિવારના બે કરતા વધારે મેમ્બર્સ કંપનીની બાગડૌર સંભાળતા હોય ત્યારે બિઝનેસની જવાબદારીઓ પ્રત્યે તેઓનો રોલ એકદમ કલીયર હોવો જોઇએ. આ ઉપરાંત ભાઇઓ અથવા સંતાનો ફેમિલી બિઝનેસમાં હોય ત્યારે તેઓ બિઝનેસ રન કરવા માટે કાબેલ છે કે કેમ? તે વિચારીને તેઓને જવાબદારી આપવી પડે છે. મોટા ભાગે ફેમિલી બિઝનેસમાં આવું થતું ન હોવાથી દર ત્રણ વર્ષે ૧૦૦ કંપનીઓમાંથી ૭૦ જેટલી કંપનીઓ બંધ થઇ જાય છે.

પરિવારના સભ્યો ફાયનાન્સ, માર્કેટીંગ, ઓપરેશન વિગેરેની જવાબદારી સંભાળે અને એકબીજાની કામગીરીમાં કોઇ હસ્તક્ષેપ નહીં કરે ત્યારે ફેમિલી બિઝનેસ સફળ થાય છે. બિઝનેસ પ્રત્યે કોઇ મોટું ડિસીઝન લેવાનું હોય ત્યારે બધા મળીને એકસાથે બેસીને ચર્ચા – વિચારણા કરીને ડિસીઝન લઇ શકે છે. તેમણે ટાટા, અંબાણી અને અદાણી કંપનીઓ ઉલ્લેખ કરી ફેમિલી બિઝનેસની સફળતા માટે લોન્ગ ટર્મ સ્ટ્રેટેજિક પ્લાનિંગ વિશે પણ વિસ્તૃત સમજણ આપી હતી.

સેમિનારમાં ચેમ્બરના માનદ્‌ ખજાનચી પરેશ લાઠીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન ડો. સંજય ડુંગરાણીએ સેમિનારનું સંચાલન કર્યું હતું અને અંતે સર્વેનો આભાર માની સેમિનારનું સમાપન પણ કર્યું હતું.

Exit mobile version