યોજનાકીય લાભ મેળવવા સમયસર ઓનલાઈન અરજી કરવા ખેડૂતમિત્રોને અનુરોધ
રાજ્યના ખાતેદાર ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં વર્ષ ૨૦૨૧-રર માટે જુદા જુદા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા તા.૦૬/૦૩/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
ખેડૂતમિત્રો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી દરેક ગ્રામ પંચાયત ખાતે તથા ઈન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ કરી શકે છે. અરજી કરતી વખતે ૭/૧૨ અને ૮-અ, આધારકાર્ડ, મોબાઈલ નંબર તેમજ બેંક પાસબુકની વિગત વગેરે સાથે રાખવી જરૂરી છે.
ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ (i-khedut portal) પર ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટઆઉટ મેળવી સહી/અંગૂઠો કરી જરૂરી સાધનિક કાગળો સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી(ખેતી)ને પહોંચાડવી. આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તા.૩૦ એપ્રિલ છે. જેથી રસ ધરાવતાં જિલ્લાના તમામ ખેડૂતોમિત્રોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓમાં લાભ લેવા માટે સમયમર્યાદામાં અરજી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, સુરત જિલ્લા પંચાયતની યાદીમાં જણાવાયું છે.