ગુજરાતદક્ષિણ ગુજરાતસુરતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોનાના વિકટ સમયમાં સુરત જિલ્લા વહીવટીતંત્રને મદદરૂપ થવા ગુજરાત નિદેશાલયના ૫૬ NCC કેડેટ્સ યોગદાન આપવા સ્વેચ્છાએ આગળ આવ્યા

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ આપશે યોગદાન

સુરત: સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે, તેવા સંજોગોમાં ગુજરાત નિદેશાલયના NCC કેડેટ્સ જિલ્લા વહીવટીતંત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવાનો નિર્ણય લીધો છે. સુરતના જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલી વિનંતીના પ્રતિભાવરૂપે ૫૬ એન.સી.સીના ઉચ્ચ પ્રેરિત કેડેટ્સ (છોકરા અને છોકરીઓ) સ્વેચ્છાએ સુરતમાં કોવિડ-૧૯માં કામ કરી રહેલી એજન્સીઓને મદદરૂપ થવા આગળ આવ્યા છે.

ગુજરાત નિદેશાલયમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના માત્ર સિનિયર ડિવિઝનના છોકરા અને સિનિયર વિંગની ગર્લ્સ કેડેટ્સને NCC યોગદાન કવાયત-II અંતર્ગત પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ કેડેટ્સ સિનિયર વોલિન્ટીયર કેડેટ્સ રહેશે. કેડેટ્સને નિયુક્ત કરતા પહેલાં કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ તેના વિશેની તાલીમ આપવામાં આવી હતી. દિલ્હી ખાતે NCC મહાનિદેશાલય દ્વારા પણ પૂરતા પ્રમાણમાં સ્વૈચ્છિક કેડેટ્સની સલામતી માટેની જોગવાઇ કરવામાં આવી છે. દિલ્હી ખાતે NCCના DG સક્રિયપણે જોડાયેલા છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપી રહ્યા છે.

ગુજરાત, દાદરા નગરહવેલી, દમણ અને દીવના NCC નિદેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ગયા વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં ગુજરાત NCC નિદેશાલયના કેડેટ્સને મહત્તમ સંખ્યામાં નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની મહાનુભાવો અને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે, NCC યોગદાન II કવાયત માટે નિયુક્ત કરવામાં આવતા ગુજરાત નિદેશાલયના કેડેટ્સ અને સ્ટાફ માટે કોવિડ-૧૯ સંબંધિત તમામ સલામતીની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કેડેટ્સને નિયુક્ત કરવા માટે તેમના માતાપિતાએ આગળ આવીને મંજૂરી આપી તે બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું.

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ પણ યોગદાન આપશે, જેથી છેલ્લાં એક વર્ષથી કોરોના સામે યુદ્ધ કરી લોકોને સુરક્ષિત રાખવા માટે કાર્યરત ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ અને સુરક્ષા સ્ટાફનું પણ મનોબળ વધશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button