▪દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને “તૈતરિય ઉપનિષદ”ના વિવિધ શ્લોકનો માર્મિક અર્થ વિસ્તારપૂર્વક સમજાવાયો
▪આચાર્ય શ્રી દેવવ્રતે વિદ્યાર્થીઓને सत्यं वद, धर्मं चर, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથી દેવો ભવ”નો મર્મ સમજાવી જીવનમાં આચરણ કરવા પ્રેરણા આપી
▪યુવાપેઢીના નવોન્મેષ વિચારો રાષ્ટ્રનિર્માણ અને જનકલ્યાણ મહત્વની ભૂમિકા ભજવે છે : શ્રી આચાર્ય દેવવ્રત
▪ગુજરાત યુનિવર્સિટીના ૫૬૦૮૩ વિદ્યાર્થીઓએ દિક્ષા અને પ્રમાણપત્ર મેળવ્યા
▪“અટલ ઇનોવેશન” અંતર્ગત “મેડીકલ એજ્યુકેશન” અને “ખેતી” ક્ષેત્રે ડિજીટલીકરણ કરવા બદલ બે વિદ્યાર્થીઓને મેડલ એનાયત કરાયા
ગુજરાત યુનિવર્સિટીના ૬૯ માં દિક્ષાંત સમારોહમાં “तमसो मा ज्योतिर्गमय। मृत्योर्मामृतं गमय” નો ઉચ્ચારણ કરતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યું કે, વિદ્યાર્થીઓએ મેળવેલી દિક્ષા સમાજકલ્યાણના કરેલા કાર્યો થકી જ ખરા અર્થમાં સાર્થક થશે. તેઓએ વધુમાં ઉમેર્યુ કે, દિક્ષાંત સમારોહ એ શિક્ષાનો અંત ન હોઇ શકે માટે વિદ્યાર્થીઓએ શિક્ષા મેળવ્યા બાદ પણ નિરંતર કંઇક નવું શિખવાની પ્રક્રિયા ચાલુ રાખવી જોઇએ.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પીઠિકા સ્વાતંત્ર્યતા પહેલા તૈયાર થઇ હોવાનું જણાવી ગૌરવસભર કહ્યું કે, ગુજરાત યુનિવર્સિટીએ દેશને અગ્રિમ હરોળના વિદ્યાર્થીઓ તૈયાર કરીને આપ્યા છે. જે વિદ્યાર્થીઓનું દેશના અગ્ણય ક્ષેત્રોમાં જન વિકાસ સાથે દેશ વિકાસમાં અમૂલ્ય યોગદાન રહેલું છે.
આચાર્ય દેવવ્રતે પ્રવર્તમાન ગુજરાત યુનિવર્સિટીની ઉપલ્બધિઓથી પ્રભાવિત થઇને જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહના આગમન વેળાએ રજૂ કરવામાં આવેલ “સ્ટાર્ટ અપ” પ્રોજેક્ટ ખરા અર્થમાં વિદ્યાર્થીઓની મહેનત અને નવોન્મેષ વિચારસરણીની પ્રતિતી કરાવે છે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવાયેલા ૨૫૦ જેટલા સ્ટાર્ટઅપ અપ પ્રોજેક્ટ ન્યુ ઇન્ડિયાની પરિકલ્પના વિશ્વ સમક્ષ મૂકવામાં મદદરૂપ બનશે.
આચાર્ય દેવવ્રતે પ્રાચીન શિક્ષણ પ્રણાલી અને દિક્ષાંત પ્રથાનો ઉલ્લેખ તૈતરિય ઉપનિષદના “ सत्यं वद, धर्मं चर,,માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચર્ય દેવો ભવ, અતિથી દેવો ભવનો જેવા શ્લોકના સંદર્ભ સાથે કરી વિદ્યાર્થીઓને દરેક શ્લોકનો મર્મ વિસ્તાર પૂર્વક સમજાવીને વિદ્યાર્થીઓને જીવનમાં તેનું આચરણ કરવા માટેની પ્રેરણા આપી હતી.
શ્રી આચાર્ય દેવવ્રતે કહ્યું કે, પ્રાચીન દિક્ષા પ્રણાલીમાં ઋષી-મુનિઓ વિદ્યાર્થીને શિક્ષણકાળ દરમિયાન આપવામાં આવેલી શિક્ષા દ્વારા તૈયાર કરીને દિક્ષાંત વેળાએ તેમનાથી તૈતરિય ઉપનિષદમાં ઉલ્લેખ કરવામાં આવેલ આ તમામ શ્લોકના જીવનમાં આચરણ કરીને જીવનને સફળ બનાવવા માટેના આશીર્વાદ આપી જનકલ્યાણની શિક્ષા આપતા. માતા-પિતાનું કદ દૈવ સમાન હોવાનું જણાવી આચાર્ય શ્રી દેવવ્રતે દિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓને શીખ આપતા કહ્યું કે,આજે તમને મળી રહેલી દિક્ષા એ ફક્ત તમારી મહેનત નહીં પરંતુ તમારા પાછળ તમારા પિતાના પરસેવાની પૂંજી અને માતાની સારસંભાળનું પણ પરિણામ છે. આ દિક્ષાંત સમારોહ ફક્ત વિદ્યાર્થીઓના જીવનનો જ નહીં પરંતુ તેમના માતા-પિતા અને ગુરુદેવના જીવનની અવિસ્મરણીય ક્ષણ હોવાનું રાજ્યપાલ શ્રી એ ઉમેર્યુ હતુ.
રાજ્યપાલશ્રીએ દિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓને તેમના મેળવેલા જ્ઞાન દ્વારા જરૂરિયાતમંદોને ઉપયોગી થવા તેમજ જનકલ્યાણની સાથે –સાથે રાષ્ટ્રકલ્યાણમાં પણ જ્ઞાનનો ઉપયોગ કરી સહભાગી થવા માટે પ્રેરયા હતા. રાજ્યપાલશ્રી એ વિદ્યાર્થીઓને વડાપ્રધાન શ્રી દ્વારા દેશના સર્વાંગી વિકાસ અર્થે કરવામાં આવી રહેલા કાર્યો વિશે જણાવીં વિદ્યાર્થીઓને રાષ્ટ્રઉન્નતિ માટે સંકલ્પબધ્ધ કર્યા હતા.
દિક્ષાંત સમારોહના દિવસે દિક્ષા મેળવવાની સાથે – સાથે દરેક વિદ્યાર્થીને સમાજસુધારા માટે સ્વચ્છતા અભિયાન, નશામુક્તિ, સ્ત્રીભ્રુણ હત્યા જેવા દુર્ગણો દૂર કરવાના લક્ષ્યનો નિર્ધાર કરવા માટેની પ્રેરણા આપી હતી.
વિદ્યાર્થીઓને તેમની શિક્ષા ફક્ત તેમના પૂરતી સીમિત ન રહી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનિર્માણમાં ઉપયોગી બને તે દિશામાં હરહંમેશ કાર્ય કરવા તેઓએ કહ્યું હતુ.
રાજ્યપાલશ્રીએ स्वाध्यायां मा प्रमद: એટલે કે વિદ્યાર્થીઓ તેમના વિદ્યાર્થીકાળમાં મેળવેલા શિક્ષણને દિક્ષાંત સમારોહ સુધી સિમિત ન રાખી મેળવેલ શિક્ષણનું નિરંતર અધ્યયન કરવા કહ્યું હતું.
રાજ્યપાલશ્રીએ દિક્ષા મેળવતા વિદ્યાર્થીઓને જીવનના પાઠ ભણાવતા જીવનની દરેક કપરી પરિસ્થિતમાં સહાનૂભુતિની જગ્યાએ પરાનૂભૂતિ દ્વારા જીવવના નિર્ણય લેવાની સાથે જીવનમાં એકતા, સ્નેહ અને ભાઇચારા સાથે જીવનનિર્વાહ કરવાની સલાહ આપી હતી.
ગુજરાત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સુપ્રીમ કોર્ટના જજ શ્રી એમ. આર. શાહે પોતાના પ્રવચનમાં કહ્યું કે, વર્ષ ૧૯૨૦ પૂજ્ય ગાંધીજી, લાલભાઇ , ગણેશ વાસુદેવ માવલંકર દ્વારા ગુજરાત યુનિવર્સિટીના નિર્માણની પીઠિકા તૈયાર કરવામાં આવી હતી. જેનું નિર્માણ ૧૯૪૯માં કરીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીના સતત શ્રેષ્ઠ શિક્ષણના પ્રયાસો દ્વારા દેશના વિકાસમાં બહુમૂ્લ્ય યોગદાન રહેલું હોવાનું તેઓએ ઉમેર્યુ હતુ.
શ્રી શાહે વ્યવહારૂ જીવન માટે શીખ આપતા કહ્યું કે, જીવનમાં અનેક પડકારોનો સામનો કરવાનો આવશે પરંતુ જે અડીખમ ટકી રહેશે તેમજ સુખ અને દુખમાં સ્થિતપ્રજ્ઞ રહી તમામ પરિસ્થિતઓનો સામનો કરી શકશે તે જ વ્યક્તિ જીવનમાં સફળ બનશે. જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં હિંમત ન હારવા અને બાહોશીપૂર્વક પડકારોનો સામનો કરવા માટે પ્રેરણાત્મક ઉદાહરણ દ્વારા તેઓએ વિદ્યાર્થીઓને પ્રેર્યા હતા.
કોરોના મહામારીએ માનવજગતને કુદરતી સંપદા અને પ્રાકૃતિક વારસાની અગત્યતા સમજાવી હોવાનું જણાવી શ્રી એમ.આર.શાહે ઉપસ્થિત તમામ લોકોને કુદરતી સંસાધનોનું જતન કરવા માટે અપીલ કરી હતી.
ગુજરાત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર પદક એનાયત કરવાની સાથે સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા અટલ ઇનોવેશન ના ભાગરૂપે શ્રી ત્રિષલા પંજાબીને મેડિકલ એજ્યુકેશનમાં ડિજીટલીકરણ માટે મેટગૂરૂ એપ તૈયાર કરવા બદલ તેમજ પ્રિયમ સમેતને લોકડાઉનના સમયમાં ફ્રી-એગ્રી એપ તૈયાર કરી રાજ્યના ખેડૂતોને મદદરૂપ થવા બદલ પદક એનાયત કરવામાં આવ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહના પ્રસંગે રાજ્ય શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી અંજૂ શર્મા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હિમાંશુ પંડ્યા, ઉપકુલપતિ શ્રી જગદીશ ભાવસાર, યુનિ.ના રજીસ્ટ્રાર શ્રી, તમામ શૈક્ષણિક ડિપાર્ટમેન્ટ ના ડીન અને વડાઓએ ઉપસ્થિત રહીને દિક્ષા મેળવી રહેલા વિદ્યાર્થીઓની મહેનતને બિરદાવી હતી.