સરસ્વતી વિદ્યાલયમાં 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્નિવલનું આયોજન, બાળકોના સર્વાંગી વિકાસ પર રહ્યો વિશેષ ફોકસ

બાળકોના સર્વાંગી વિકાસના હેતુથી સરસ્વતી વિદ્યાલયમાં કાર્નિવલ સંપન્ન
સુરત: અમારી પાઠશાળા સરસ્વતી વિદ્યાલયમાં તારીખ 11 જાન્યુઆરી 2026, રવિવારના રોજ એક ભવ્ય અને આકર્ષક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્નિવલમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રકારના ઝોન તૈયાર કરવામાં આવ્યા હતા, જેમાં પ્લે ઝોન, ફૂડ ઝોન, ભૂત બંગલો, તારામંડળ સહિત અનેક મનોરંજક અને જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ અંગે માહિતી આપતા સરસ્વતી વિદ્યાલયના આચાર્ય જતીન વાઘાણીએ જણાવ્યું હતું કે આ કાર્નિવલનું મુખ્ય ઉદ્દેશ બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવું, તેમામાં કંઈક નવું કરવાની હિંમત વિકસાવવી તેમજ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની પ્રેરણા આપવી છે. વિદ્યાલય દ્વારા આ આયોજન એ વિચાર સાથે કરવામાં આવ્યું હતું કે બાળકો આ પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસ સાથે સાથે વ્યવહારિક જ્ઞાન પણ મેળવી શકે.
ફૂડ ઝોન દ્વારા વિદ્યાર્થીઓને વ્યાપારિક બુદ્ધિની સમજ આપવામાં આવી હતી. જેમાં ગુણવત્તા, માત્રા, આયોજન વ્યવસ્થાપન, નફો-નુકસાન જેવી મહત્વપૂર્ણ બાબતોનો પ્રત્યક્ષ અનુભવ બાળકોને મળ્યો, જેથી ભવિષ્યમાં વેપાર ક્ષેત્રમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળી શકે. જ્યારે ગેમ ઝોનમાં ઓછી મૂડી સાથે મનોરંજન દ્વારા આવક કેવી રીતે મેળવી શકાય તેની વ્યવહારિક સમજ વિકસાવવામાં આવી હતી.
સારાંશરૂપે કહીએ તો આ કાર્નિવલ બાળકોને ભવિષ્યની આયોજન ક્ષમતા, વ્યવસ્થાપન કૌશલ્ય અને આત્મનિર્ભરતાની શીખ આપનાર સાબિત થયો.
સરસ્વતી વિદ્યાલયનું માનવું છે કે દરેક બાળક માત્ર અભ્યાસમાં જ ઉત્તમ હોવો જરૂરી નથી. ઘણીવાર અભ્યાસમાં સરેરાશ બાળક પણ અન્ય ક્ષેત્રોમાં ઉત્તમ પ્રદર્શન કરીને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. આ વિચારધારા સાથે સરસ્વતી વિદ્યાલય બાળકોને જ્ઞાનની સાથે વ્યવહારિક બુદ્ધિના ઉપયોગ માટે પ્રોત્સાહિત કરે છે, જેથી તેઓ જીવનના દરેક ક્ષેત્રમાં આગળ વધી શકે.
આ જ હેતુને ધ્યાનમાં રાખીને આ કાર્નિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓ માટે શિક્ષણ, આનંદ અને પ્રેરણાનો અનોખો સંગમ સાબિત થયો.







