ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા ગીરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી આપવાના આયોજનો
પ્રવાસનમંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે રૂ. ૧ કરોડના કાર્યોનું ખાતમૂહર્ત કરવામાં આવશે.
સુરત : ગુજરાત પ્રવાસન વિભાગનો પ્રયાસ હંમેશાથી જ પ્રવાસનની સાથોસાથ સ્થાનિક રોજગારીને પણ વેગ મળે તેવા આયોજનો હાથ ધરવાનો રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સચોટ આયોજનો થકી ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે અને તે જ સફળતાને આગળ વધારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પ્રવાસને ચારે દિશામાં પ્રચલિતતા પ્રાપ્ત કરી છે. એવા જ વધુ એક આયોજનના ભાગરૂપે ગુજરાત પ્રવાસન વિભાગ દ્રારા પ્રવાસન અને મત્સ્યઉદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ગિરનારના ડોલીવાળાઓને વૈકલ્પિક રોજગારી પ્રાપ્ત થાય તે હેતુથી રૂ.૧ કરોડના ખર્ચે ૧૦૪ દુકાનો અને તેને સંલગ્ન પાયાની સુવિધાઓ ઉભુ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત પ્રવાસન વિભાગ આ સાથે પ્રવાસીઓની સુવિધામાં ઉત્તરોતર વધારો કરવાના તબક્કાવાર સફળતાપુર્વક આયોજનો કરીને એક સિમાચિહ્નરૂપ કાર્ય કરી રહ્યું છે. જુનાગઢના ગિરનાર ખાતે ડોલીવાળાઓની સુવિધા પુરી પાડીને તેમની રોજગારીની તકો વધે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ વિકાસકાર્યો શનિવાર તારીખ ૧ ઓગસ્ટ૨૦૨૦ ના રોજ જુનાગઢ ખાતે શ્રી જવાહરભાઈ ચાવડાના હસ્તે ખાતમૂહુર્ત સાથે શરૂ કરવામાં આવશે જે મેયરશ્રી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે.