બિઝનેસસુરત

બજેટ એનાલિસિસ વીકના ભાગરૂપે ચેમ્બરમાં ત્રીજા દિવસે ‘પોસ્ટ બજેટ એનાલિસિસ – ડાયરેકટ ટેકસ’વિશે વેબિનાર યોજાયો

ઉદ્યોગોમાં રોકાણોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રો ઉપર ભાર મુકાયો છે પણ કરદાતાઓને લાભ આપી શકાયો હોત તો બજેટને ચાર ચાંદ લાગ્યા હોત : મુકેશ પટેલ

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના સંયુકત ઉપક્રમે બજેટ એનાલિસિસ વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ત્રીજા દિવસે ગુરૂવાર, તા. ૩ ફેબ્રુઆરી ર૦રર ના રોજ સાંજે ૪:૦૦ કલાકે ઝુમના માધ્યમથી ‘પોસ્ટ બજેટ એનાલિસિસ – ડાયરેકટ ટેકસ’વિષય ઉપર વેબિનાર યોજાયો હતો. જેમાં નિષ્ણાંત વકતા તરીકે ટેકસ કન્સલ્ટન્ટ મુકેશ પટેલે બજેટ વિશે મહત્વનું તારણ રજૂ કર્યું હતું.

મુકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારને છેલ્લા એક વર્ષ દરમ્યાન ટેકસની આવક ઘણી વધી છે. રૂપિયા ૧ લાખ ૪૦ હજાર કરોડની જીએસટીની આવક થઇ છે. કોર્પોરેશન ટેકસમાં ગત વર્ષની સરખામણીમાં સરકારની આવકમાં લગભગ ૩૯ ટકાનો વધારો થયો છે. જ્યારે પર્સનલ ટેકસમાં પણ ર૭ ટકાનો વધારો થયો છે. આવી રીતે સરકારને એક વર્ષની અંદર રૂપિયા ર૦ લાખ ર૭ હજાર કરોડથી માંડીને રૂપિયા રપ લાખ ૧૬ હજાર કરોડ થઇ છે. ઇન્કલુઝીવ ડેવલપમેન્ટ અને પીપલ્સ વેલફેર ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે ઉત્પાદકતા વધે, રોકાણમાં વધારો થાય અને નવા વેપાર – ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રયાસ કરાયો છે. એક – બે વર્ષ માટેનો નહીં પણ ભવિષ્ય માટેનો રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જો કે, આવકવેરો ભરતા કરદાતાને નાણાં મંત્રી બજેટમાં રિઝવી શકયા નથી. કઇક અંશે નાણાં મંત્રી એક તક ચૂકી ગયા છે.

ઇન્કમ ટેકસની કેશ ક્રેડીટ સંદર્ભેની કલમ સેકશન ૬૮માં આકરી જોગવાઇ કરવામાં આવી છે. જેમાં લોન લેનારાને સોર્સ ઓફ ફંડની ઉપરાંત સોર્સ ઓફ સોર્સની પણ માહિતી આપવાની રહેશે. એટલે કે જેને નાણાં આપ્યા છે તેની ઓળખ, નાણાં આપવાની ક્ષમતા અને એની વાસ્તવિકતાની સાથે એના દ્વારા આપવામાં આવેલા નાણાં એ કયાંથી લાવ્યા છે તેની પણ વિગતો આપવાની રહેશે. આથી આ જોગવાઇ વ્યવહારું નહીં હોવાથી તેમાં ફેરફાર કરવા માટે ચેમ્બર દ્વારા રજૂઆત કરવામાં આવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

બજેટમાં અપડેટેડ રિટર્ન ભરવાની જોગવાઇ સારી કરવામાં આવી છે પણ તેના માટે જે ટેકસ ચૂકવવો પડે છે તે પણ વાસ્તવિક નથી. કરદાતાને નોટીસ મળે તો આ જોગવાઇનો લાભ લઇ શકાય નહીં. તદુપરાંત સામાન્ય ટેકસની ઉપર પહેલા વર્ષે રપ ટકા તથા બીજા વર્ષે અન્ય પ૦ ટકા વધારાનો ટેકસ કરદાતાએ ચૂકવવાનો રહેશે. આથી આ જોગવાઇને પણ વધારે વ્યવહારું બનાવવાની દિશામાં પ્રયાસ કરવો જોઇએ. તેમણે કરદાતાઓને અનુરોધ કર્યો હતો કે AIS ને બરાબર સમજીને રિટર્ન ભરવાનું રાખશો તો અપડેટેડ રિટર્ન ભરવાની જરૂર પડશે જ નહીં.

આ ઉપરાંત સેકશન ર૭ર AA કેપીટલ ગેઇનની પેનલ્ટી અંગે કરાયેલી જોગવાઇ વિશે તેમણે જણાવ્યું હતું કે, વેપાર – ધંધો બંધ થાય અને ડિપાર્ટમેન્ટને જાણ નહીં કરે તો દરરોજના રૂપિયા પ૦૦ મુજબ પેનલ્ટી ચૂકવવાની રહેશે. આ બાબતને પણ વધારે વ્યવહારુ બનાવવાની જરૂર છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ વેબિનારમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. ચેમ્બરની ઇન્કમ ટેકસ કમિટીના સભ્ય સીએ મનિષ બજરંગે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ધી સધર્ન ગુજરાત ઇન્કમ ટેકસ બાર એસોસીએશનના પ્રેસિડેન્ટ અનિલ શાહે વકતા મુકેશ પટેલનો પરિચય આપ્યો હતો. જ્યારે ઇન્કમ ટેકસ કમિટીના ચેરમેન સીએ પ્રગ્નેશ જગાશેઠે સવાલ – જવાબ સેશનનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના ઉપપ્રમુખ હિમાંશુ બોડાવાલાએ સર્વેનો આભાર માની વેબિનારનું સમાપન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button