સુરતહેલ્થ એન્ડ બ્યૂટી

હિંદુ સતવારા સમાજના ૪૬ વર્ષીય ગીતાબેન ભરતભાઈ પરમારના પરિવારે તેમના કિડની અને ચક્ષુઓનું દાન કરી ૪ વ્યક્તિઓને નવજીવન બક્ષી

ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

મહાવીર રેસીડેન્સી, ABC મોલની સામે, કેનાલ રોડ, કામરેજ મુકામે રહેતા ગીતાબેન ભરતભાઈ પરમાર રવિવાર, તા.૧૨ જુનના રોજ બપોરે ૧:૩૦ કલાકે વરાછા રહેતા તેમના બહેનના ઘરેથી મોટરસાયકલ પર પુત્ર વિશાલ સાથે પોતાના ઘરે જતા હતા ત્યારે ચીકુવાડી, ચોપાટી પાસે તેમને અચાનક ચક્કર આવતા તેઓ મોટરસાયકલ પર થી નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થવાથી બેભાન થઇ ગયા હતા તેમને તાત્કાલિક નજીકમાં આવેલ જી.બી.વાઘાણી હોસ્પિટલમાં દાખલ કર્યા.  નિદાન માટે સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થવાથી ડોક્ટરે ક્રેનીયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. વધુ સારવાર માટે તેમને કિરણ હોસ્પીટલમાં ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા.

ગુરુવાર, તા.૧૬ જુનના રોજ ન્યુરોફીજીશિયન ડૉ.હીનાફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ.અપેક્ષા પારેખ, ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડા અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે ગીતાબેનને બ્રેનડેડ જાહેર કર્યા.

ગીતાબેનના પતિ ભરતભાઈએ ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ શ્રી નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી અંગદાનની પ્રક્રિયા શુ છે તે સમજવા હોસ્પિટલ આવવા વિનંતી કરી.  

ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી ગીતાબેનના પતિ ભરતભાઈ, પુત્રો વિશાલ અને સૌરવ, ભાઈ ભરતભાઈ અને પવનભાઈ, જેઠ ઈશ્વરભાઈ, દિયર હરજીવનભાઈ અને અજીતભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી.

ગીતાબેનના પતિ ભરતભાઈએ જણાવ્યું કે હું ડોનેટ લાઇફની યુ ટ્યુબ ચેનલને ફોલો કરું છું અને અંગદાન અંગેના વિડીઓ વારંવાર નિહાળું છુ, મારી પત્ની ગીતા બ્રેઈનડેડ છે, તેનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. અંગદાન એક ઈશ્વરીય કાર્ય છે, દરેક બ્રેનડેડ વ્યક્તિના પરિવારજનોએ તેમના બ્રેનડેડ સ્વજનના અંગોનું દાન કરાવવું જોઈએ.

State Organ and Tissue Transplant Organization (SOTTO) દ્વારા કિડની અને લિવર સુરતની કિરણ હોસ્પીટલને ફાળવવામાં આવ્યા.

સુરતની કિરણ હોસ્પિટલના ડૉ.જીજ્ઞેશ ઘેવરીયા, ડૉ. પ્રમોદ પટેલ, ડૉ. મિથુન કે. એન, ડૉ. કલ્પેશ ગોહિલ અને તેમની ટીમે કિડનીનું દાન સ્વીકાર્યું, લિવર ફેટી હોવાને કારણે લિવરનું દાન થઇ શક્યું ના હતું, ચક્ષુઓનું દાન કિરણ હોસ્પીટલના       ડૉ. સંકિત શાહે સ્વીકાર્યું.

દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ૬૬ વર્ષીય વ્યક્તિમાં, બીજી કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બારડોલીના રહેવાસી ૩૯ વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. કલ્પેશ ગોહિલ, ડૉ.જીજ્ઞેશ ઘેવરીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. દાનમાં મેળવવામાં આવેલા ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ સુરતની રહેવાસી ૪૦ વર્ષીય મહિલામાં અને બીલીમોરાની રહેવાસી ૬૯ વર્ષીય મહિલામાં સુરતની કિરણ હોસ્પિટલમાં ડૉ. સંકિત શાહ દ્વારા કરવામાં આવનાર છે.

અંગદાન કરાવવાની સમગ્ર પ્રક્રિયા ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમાં ગીતાબેનના પતિ ભરતભાઈ, પુત્રો વિશાલ અને સૌરવ, ભાઈ ભરતભાઈ અને પવનભાઈ, જેઠ ઈશ્વરભાઈ, દિયર હરજીવનભાઈ અને અજીતભાઈ તેમજ પરિવારના અન્ય સભ્યો, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી, ડૉ.અપેક્ષા પારેખ, ફીજીશિયન ડૉ.કલ્પેશ ચોપડા, મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલ, ટ્રાન્સપ્લાન્ટ કૉઓર્ડીનેટર ડૉ.અલ્પા પટેલ, કિરણ હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, જી.બી. વાઘાણી હોસ્પીટલના સંચાલકો, ડોક્ટર્સ, સ્ટાફ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડૉ. ચંદ્રેશ ઘેવરીયા, ડોનેટ લાઈફના પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણીનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાત માંથી ડોનેટ લાઈફ દ્વારા કુલ ૧૦૧૮ અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે જેમાં ૪૨૮ કિડની, ૧૮૨ લિવર, ૮ પેન્ક્રીઆસ, ૪૦ હૃદય, ૨૬ ફેફસાં, ૪ હાથ અને ૩૩૦ ચક્ષુઓના દાનથી કુલ ૯૩૧ વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button