બિઝનેસસુરત

સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’નો ભવ્ય પ્રારંભ

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે સરસાણા ખાતે આવેલા સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે આજરોજ ટેકસટાઈલ ટેકનોલોજી એન્ડ મશીનરી એકઝીબીશન ‘સુરત ઈન્ટરનેશનલ એક્ષ્પો– સીટેક્ષ ર૦ર૧’નો ભવ્ય પ્રારંભ થયો છે. ભારત સરકારના વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીના હસ્તે સીટેક્ષ– ર૦ર૧નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ એકઝીબીશન તા. ૯, ૧૦ અને ૧૧ જાન્યુઆરી, ર૦ર૧ દરમ્યાન ત્રિ–દિવસ માટે ખુલ્લુ રહેશે. સીટેક્ષ પ્રદર્શનમાં પહેલા દિવસે જ ૬૧રપ જેટલા બાયર્સે મુલાકાત લીધી હતી.

સીટેક્ષના ઉદ્‌ઘાટન સમારોહમાં મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના રાજ્ય કક્ષાના મંત્રી દેબર્સી ચૌધરી, ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ હીઝ એકસલન્સી આગુસ પ્રિહાતીન સાપ્તોનો, સુરતના સાંસદ દર્શના જરદોશ, ટેક્ષ્ટાઇલ કમિશનર સુશ્રી રૂપ રાશી અને ગુજરાત સરકારના એડીશનલ ઇન્ડસ્ટ્રીઝ કમિશનર (એક્ષ્ટર્નલ) એચ.ડી. શ્રીમાળી ખાસ ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડીયાએ સુરતમાં ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે હબ બનાવવા માટે સ્મૃતિ ઇરાનીને અનુરોધ કર્યો હતો. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીને જીએસટીમાં સ્લેબને કારણે થોડી મુશ્કેલીઓ થાય છે. આ અંગે નાણાં મંત્રીને રજૂઆત કરાઇ છે પણ તેમણે સ્મૃતિ ઇરાનીને પણ જીએસટીની થોડીક સમસ્યાઓના નિરાકરણ માટે વિનંતી કરી હતી. તેમણે કહયું હતું કે, સુરતમાં ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઘણી વિકસી છે પણ એસએમઇ સેકટરની કંપનીઓને સરકાર તરફથી વધુ સગવડો આપવાની જરૂર છે. સુરતથી ડાયમંડ એક્ષ્પોર્ટ થાય છે ત્યારે ગુડ્‌ઝ કરતા વધારે વેલ્યુ કસ્ટમ ડયુટીની લાગે છે. આથી સેમ્પલીંગ મોકલવા માટેની સગવડ ઉભી કરવાની જરૂર છે. સુરત ડાયમંડ બુર્સ કાર્યરત થશે ત્યારે સરકારની સાથે સુરતની પણ આવક વધશે અને વિપુલ રોજગારીની તકો ઉભી થશે. ટેક્ષ્ટાઇલ પોલિસીમાં ચેમ્બર દ્વારા કરાયેલી ૮૦ ટકા માંગણીઓ પૂર્ણ થઇ હોવાથી તેમણે સરકારનો આભાર માન્યો હતો.

વસ્ત્ર મંત્રી સ્મૃતિ ઇરાનીએ સીટેક્ષમાં ભાગ લેનારા ૧૧૦ એકઝીબીટર્સને શુભકામના આપતા જણાવ્યું હતું કે, ભારતમાં લોકડાઉન દરમ્યાન પણ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીએ અનોખો ઇતિહાસ રચ્યો હતો. ઉદ્યોગકારોએ વિશ્વને પ્રમાણિત કરી બતાવ્યું છે હિન્દુસ્તાની ગમે તેવી સ્થિતિમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે. ભારતમાં પહેલા કયારેય પીપીઇ સુટ બનતા ન હતા. પરંતુ ઉદ્યોગકારોએ બે મહિનામાં જ રૂપિયા સાડા સાત હજાર કરોડની ઇન્ડસ્ટ્રી ઉભી કરી દીધી હતી. પહેલા એક પણ કંપની ન હતી પણ આજે ૧૧૦૦થી વધુ કંપનીઓ પીપીઇ સુટ બનાવે છે. જેને કારણે ભારત વિશ્વમાં સેકન્ડ લાર્જેસ્ટ એક્ષ્પોર્ટર અને પ્રોડયુસર ઓફ પીપીઇ સુટ એન્ડ કીટ્‌સ થઇ ગયું છે. ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોએ ગ્લોબલ ઇકોનોમીમાં અપ્રતિમ ઉદાહરણ પૂરુ પાડયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચેમ્બરના પ્રતિનિધીઓએ એકઝીબીશનમાં તેમની મુલાકાત સામાન્ય કારીગર ચંદ્રકાંત પાટીલ સાથે કરાવી હતી. ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીમાં રૂપિયા પ૦ લાખથી વધારેની કિંમતની મશીન જે હમણાં સુધી ઇમ્પોર્ટ થતી હતી તેને ચંદ્રકાંત પાટીલે લોકડાઉન દરમ્યાન બે મહિનામાં અડધી કિંમતમાં પોતે જ બનાવી દીધી. સુરતમાં અલ્ટ્રાસોનિક લેસ મશીનને મોડીફાય કરીને રૂપિયા પાંચ લાખમાં સેમી ઓટોમેટીક મશીન બનાવવામાં આવ્યા છે, જે રૂપિયા ૩૦થી ૪પ લાખમાં ઇમ્પોર્ટ થતા હતા. સેમી ઓટોમેટીક મશીન ઉપર સુરતમાં એન ૯પ માસ્ક બનાવવામાં આવ્યા હતા. ભારતના વડાપ્રધાનનું દેશને આત્મનિર્ભર બનાવવાનું સ્વપ્ન સાકાર થઇ રહયું છે, જેની એક છબી સીટેક્ષ એકઝીબીશનમાં જોવા મળી.

સ્મૃતિ ઇરાનીએ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે કહયું હતું કે, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ હવે પછી ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય છે. આથી તેમણે ઉદ્યોગકારોને આ દિશામાં આગળ વધવા માટે હાંકલ કરી હતી. તેમણે કહયું હતું કે, પ્રધાનમંત્રી દ્વારા ટેકનિકલ ટેક્ષ્ટાઇલ અને મેન મેઇડ ફાયબરના વિકાસાર્થે રૂપિયા ૧૦૬૦૦ કરોડ જેટલું મોટું ફંડ પી.એલ.આઇ. સ્કીમ તરીકે આપવામાં આવ્યું છે. એસએમઇને ટેકનિકલ ટેકનોલોજીથી મજબુત બનાવીશું તો તેને વિશ્વમાં કોઇની સામે હાથ ફેલાવવા પડશે નહીં. સસ્ટેનેબિલિટી મેન્યુફેકચરીંગ ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રી માટે ચેમ્બર લીડરશિપ લેશે તો દેશમાં ક્રાંતિ લાવી શકાશે.

મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના રાજ્ય કક્ષાના મંત્રી દેબર્સી ચૌધરીએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત દરમ્યાન અદ્યતન મશીનરી જોઇને તેઓ દંગ રહી ગયા હતા. ગુજરાતની ઔદ્યોગિક વિકાસ જોઇને તેઓ પશ્ચિમ બંગાળને બીજું ગુજરાત બનાવવા માંગે છે અને ટેક્ષ્ટાઇલના ઉદ્યોગકારોને આ દિશામાં માર્ગદર્શન આપવા માટે અનુરોધ પણ કર્યો હતો.

ઇન્ડોનેશિયાના કોન્સુલ જનરલ હીઝ એકસલન્સી આગુસ પ્રિહાતીન સાપ્તોનોએ જણાવ્યું હતું કે, ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સારા વ્યાપારિક સંબંધો રહયા છે અને આ સંબંધોને તેઓ વધુ ગાઢ બનાવવા માંગે છે. ઇન્ડોનેશિયામાં પણ ટેક્ષ્ટાઇલ, કેમિકલ તથા અન્ય ઉદ્યોગોમાં રોકાણ કરવા માટે તેમણે ઉદ્યોગકારોને અનુરોધ કર્યો હતો.

સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે, કોરોનાની વિપરીત પરિસ્થિતિમાં પણ સરકારે નિર્ણયો લઇ પરીણામલક્ષી કામગીરી કરી હતી. જેને કારણે ટેક્ષ્ટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને સરકાર તરફથી ઘણો સપોર્ટ મળ્યો છે. જીએસટી સંબંધિત તથા અન્ય સમસ્યાઓની રજૂઆત તેમની કક્ષાએથી પણ સરકારના ધ્યાનમાં લાવવામાં આવી હતી. ચેમ્બરે પણ મહિલા સશકિતકરણની દિશામાં ઘણો સારો પ્રયાસ કર્યો છે. એના માટે ચેમ્બરે આત્મર્નિભર મહિલા અભિયાન એકઝીબીશનોનું આયોજન કર્યું હતું. કપરા સમયમાં પણ ઉદ્યોગકારોએ શ્રમિકોને સાચવી સારી ભૂમિકા અદા કરી હતી.

ચેમ્બરના ઉપપ્રમુખ આશિષ ગુજરાતીએ દેશમાં બનનાર પાંચ મેગા ટેક્ષ્ટાઇલ પાર્કમાંથી એક મેગા ટેક્ષ્ટાઇલ પાર્ક સુરતમાં સ્થાપવા માટે વસ્ત્ર મંત્રીને અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ટેક્ષ્ટાઈલ ઉદ્યોગમાં નવા ફેબ્રિક તથા નવા ટેકનીકલ ટેક્ષ્ટાઈલને લગતા રિસર્ચ કરે તેવી વર્લ્ડ કલાસ સંસ્થા એટલે કે ટેસ્ટીંગ લેબોરેટરી અને રિસર્ચ સેન્ટરનો અભાવ છે. યુ.એસ.એ.ની નોર્થ કેલીફોર્નીયામાં તથા કોરીયાના ડેગુમાં આવેલી આવી સંસ્થાઓની બરોબરી કરી શકે તેવું ‘કોમન ફેસીલીટી સેન્ટર’ સુરતમાં સ્થપાય તેવી તેમણે માંગ કરી હતી. તેમણે કહયું હતું કે આથી સુરતમાં ગારમેન્ટ ઉદ્યોગને પણ વેગ મળશે. આના માટે એક પ્રોજેકટ રિપોર્ટ આપવામાં આવશે. આ પ્રોજેકટ માટે રૂપિયા ૧૦૦ કરોડની કેન્દ્રીય સહાયતા પ્રાપ્ત થાય તો આ સેન્ટર ટેક્ષ્ટાઈલ ઉદ્યોગના વિકાસમાં મહત્વનું પ્રદાન કરશે. આ ઉપરાંત તેમણે વસ્ત્ર મંત્રી સમક્ષ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગના વિકાસ માટે નીચે મુજબની વિનંતી કરી હતી.

1. પાવરટેક્ષ સ્કીમ જે ૩૧–ડીસેમ્બર, ર૦ર૦ના રોજ પુરી થઈ ગઈ છે તેને વધુ પાંચ વર્ષ સુધી લંબાવવા વિનંતી કરી હતી.
2. એ–ટફ સ્કિમની અંદર ઘણા સુક્ષ્મ ઉદ્યોગો સમયસર અરજી આપી શકયા ન હતા તો તેઓને પણ પાછલી અસરથી અરજી કરવાની છુટ આપવામાં આવે.
3. એ–ટફમાં એક બીજી સમસ્યા એ છે કે, બીલ ઓફ એન્ટ્રી અથવા કોમર્શીયલ ઈન્વોઈસની તારીખ, લોનની સેંકશનની તારીખથી જુની હોય તો તેની સબસીડી મંજુર થતી નથી. આ પોલીસી મેટરનો મુદો હોવાથી આ અંગે આપનું માર્ગદર્શન અને મદદ જરૂરી છે.
4. ફાયનાન્સ અને કોમર્સ મિનિસ્ટ્રી જોડે કેટલાંક મુદાઓ જેવા કે, જી.એસ.ટી. લાગુ થવા પહેલા ઈ.પી.સી.જી. લાયસન્સ હોલ્ડર દ્વારા કાઉન્ટર વેલીંગ ડયુટી / સ્પેશ્યલ એડીશનલ ડયુટી જે ભરેલ છે તેની ક્રેડીટ મળી રહે તે અંગે યોગ્ય કરવા વિનંતી છે.
5. વિએતનામ અને બાંગ્લાદેશથી આયાત થતા સસ્તા કાપડ ઉપર બેઝીક કસ્ટમ ડયુટી વધારવી.
6. હાલમાં વોર્પ નીટીંગ ક્ષેત્રે કન્સેશનલ કસ્ટમ ડયુટીનો લાભ લઈ મશીનરી મંગાવનારાઓ ઉપર ડી.આર.આઈ. દ્વારા કડક પગલાં લેવાઈ રહયા છે, તેમા જેન્યુઈન ઉદ્યોગકારોને રાહત મળી રહે તે માટે મદદરૂપ થવા વિનંતી છે.
7. છેલ્લા ર વર્ષથી ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રી તકલીફમાં હોવાથી પોતાનું એક્ષ્પોર્ટ ઓબ્લીગેશન પુર્ણ કરી શકયા નથી. તેમના માટે ‘એમ્નેસ્ટી સ્કીમ’ અમલમાં મુુકવા વિનંતી છે.
8. ટેક્ષ્ટાઈલના લઘુ ઉદ્યોગો સોલર પાવરનો ઉપયોગ કરી પોતાનો ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને એક કોમન સોલર પોલીસી ફોર ટેક્ષ્ટાઈલ બનાવવા અમારી વિનંતી છે.
9. કેન્દ્ર સરકારે જાહેર કરેલી પી.એલ.આઈ.સ્કીમ તથા નેશનલ ટેકનીકલ ટેક્ષ્ટાઈલ મિશનની ગાઈડલાઈન્સ સત્વરે જાહેર કરવી તથા કેન્દ્ર સરકાર દ્વારા નવી જાહેર થનાર નેશનલ ટેક્ષ્ટાઈલ પોલીસીમાં ૩૦% કેપીટલ સબસીડી મળી રહે તેવી જોગવાઈ કરવા નમ્ર વિનંતી છે.

ફિયાસ્વીના ચેરમેન ભરત શાહે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. ચેમ્બરના ગૃપ ચેરમેન જયંતિ સાવલીયાએ ચેમ્બર દ્વારા યોજાનારા સીટેક્ષ, સ્પાર્કલ, યાર્ન, એનર્જી અને હેલ્થ એક્ષ્પો વિશે જાણકારી આપી હતી. જ્યારે સીટેક્ષ એકઝીબીશનના ચેરમેન હિમાંશુ બોડાવાલાએ સીટેક્ષમાં એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવેલી અદ્યતન મશીનરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ચેમ્બરના માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ પ્રાસંગિક વિધી કરી હતી. ચેમ્બરના ગૃપ ચેરમેન દીપકકુમાર શેઠવાલા અને વુમન આંત્રપ્રિન્યોર સેલના કો–ચેરપર્સન ડો. રીન્કલ જરીવાલાએ સમારોહનું સંચાલન કર્યું હતું. અંતે ચેમ્બરના માનદ્‌ ખજાનચી મનિષ કાપડીયાએ સર્વેનો આભાર માની ઉદ્‌ઘાટન સમારોહનું સમાપન કર્યું હતું.

સીટેક્ષ પ્રદર્શનમાં ૧૧૦થી વધુ સ્ટોલોમાં ટેકસટાઈલ મશીનરી, એસેસરીઝ મેન્યુફેક્‌ચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેક્‌ટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સકર્યુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, હીટ ટ્રાન્સફર મશીન, હોટ ફિકસ મશીન, ટીએફઓ જેવી મશીનરી તથા એસેસરીઝ પ્રદર્શિત કરવામાં આવી છે. આ પ્રદર્શનમાં સુરતમાં બનેલા ઇન્ડીજિનીયસ નીડલ લૂમ્સ મશીન, ઇન્ડીજિનીયસ ઇલેકટ્રોનિક જેકાર્ડ મશીન, ટેરી નીટિંગ મશીન અને એક હજાર આરપીએમ પર ચાલતું એરજેટ (જેમાં વિસ્કોસ કપડું બને છે) મશીન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button